લખનૌ-

સોનિયા ગાંધીના મતક્ષેત્ર રાયબરેલીમાં આજકાલ કોંગ્રેસ વિરુદ્ધ બળવો ચાલી રહ્યો છે. દાયકાઓથી પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પરથી હાલમાં સોનિયા ગાંધી ચૂંટાયા છે. જો કે, હવે કોંગ્રેસના કેટલાકા સ્થાનિક નેતાઓ પક્ષની કામગીરી સામે નારાજ હોવાથી તેમણે પોતાના સૂર બદલ્યા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે કે, સવેળા પક્ષને નહીં સંભાળાય તો આ મતક્ષેત્રમાં પણ કોંગ્રેસની હાલત અમેઠી જેવી જ થશે. 

અહીં યૂવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનુજ કુમાર સિંહે કહ્યું હતું કે, હવે સ્થાનિક નેતાગીરીના રંગ બદલાઈ ગયા છે. ક્યારેક અહીં કોંગ્રેસમાં જૂના સમયના નેતાઓને સાંભળવામાં આવતા હતા. પરંતુ આજે રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધી સમયના નેતાઓને સાંભળવામાં આવતા નથી. જે લોકો કોંગ્રેસના પ્રાથમિક સભ્યો સુદ્ધાં નથી તેમને પક્ષમાં ઉંચા હોદ્દાઓ પર બેસાડી દેવાયા છે. ન્યાય પંચાયતના અધ્યક્ષોએ જ્યારે આ વાતને ટોચની નેતાગીરી સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો તો તેમને બરતરફ કરી દેવાયા છે. પક્ષમાં જૂના કાર્યકર્તાઓનું કોઈ સન્માન નથી કરાતું અને આ સમસ્યાને પગલે હાલમાં જ 35 જેટલા કાર્યકરોએ રાજીનામાં પણ ધરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળના પાયા પર ભવિષ્યનું નિર્માણ કરવાનો નારો ધરાવતા કોંગ્રેસ પક્ષમાં આજે ભૂતકાળને જ ભૂંસી નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.