નડિયાદ, તા.૩  

વડતાલ સંપ્રદાયના ત્યાગવલ્લ્ભ સ્વામીના મહિલાનો વેશ ધારણ કરેલાં સ્ક્રીનશોટ વાઇરલ થતાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ફરી એક વખત વિવાદ છેડાયો છે. બીજી તરફ ભક્તિ સવામીના અસભ્ય ચેટિંગના પણ સ્ક્રીનશોટ વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ બંને સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હરિભકતોમાં કચવાટની લાગણી દેખાઈ રહી છે.

સૂત્રોનું જણાવવું છે કે, વાઇરલ થયેલાં બંને સ્ક્રીનશોટ મુજબ, સ્વામિનારાયણ સંપ્રદાયના જ બે સાધુ સોશિયલ મીડિયા પર મહિલા સાથે ઉત્તેજીત ભાષામાં વાતો કરે છે અને ફોટા પણ મગાવે છે. આટલું ઓછું હોય તેમ સોશિયલ મીડિયામાં ફરતી થયેલી તસવીરમાં ત્યાગ વલ્લ્ભ સ્વામીએ તો મહિલાનો જ પોષાક પહેરી ફોટા પડાવ્યાં હતાં. ઉપરાંત વિડીયો કોલના એક સંતના અસભ્ય ચેટિંગના સ્ક્રીનશોટ પણ વાયરલ થતાં ભક્તોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કરજણ પંથકના કંડારી ગુરૂકુળના ત્યાગવલ્લભ સ્વામીના તથા અમદાવાદ પંથકના એક સ્વામિનારાયણ મંદિરના સંત ભક્તિકિશોર સ્વામીના કુકર્મોનો ભાંડો ફૂટ્યો છે. ભક્તિકિશોર સ્વામીએ હરિભક્ત મહિલા સાથે અસભ્ય અને ઉત્તેજક વાતો કરી હોવાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. બીજી તરફ ત્યાગવલ્લભ સ્વામીના પણ સ્ત્રીના પહેરવેશમાં ફોટા વાઇરલ થયાં છે. અલબત્ત, આશ્ચર્યજનક બાબત એ છે કે, આ સંતો પણ સોશિયલ મીડિયા થકી મહિલા સાથે સતત વિડીયો કોલ કરી વાતચીત કરતાં હતાં.

સૂત્રોના જણાવ્યાં મુજબ, કંડારી ગુરૂકુળના ત્યાગવલ્લભ સ્વામીની હરકતો એક માસ પહેલાં બહાર આવી ગઇ હતી, જેનાં કારણે છેલ્લાં એક માસથી કંડારી ગુરૂકુળ છોડીને ભૂગર્ભમાં ચાલ્યાં ગયો હોવાનું કેટલાંક હરિભક્તોનું જણાવવું છે.