મુંબઈ-

કોરોનાનો ત્રીજો સ્ટેન આવી ચૂક્યો છે અને અગાઉ બે વાયરસથી આ વાયરો વધુ ઘાતક અને જીવલેણ નીવડે તેવી શક્યતાને પગલે મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કર્યા છે. આજ રાત્રે આઠ વાગ્યાથી પહેલી મે સુધી અમલમાં આવનારા આ પ્રતિબંધમાં લોકડાઉનની જેમ જ પ્રતિબંધનો અમલ થશે. મહારાષ્ટ્રમાં વધતા જતા નવા કેસને પગલે સરકાર માટે હવે લોકડાઉનની પરિસ્થિતિ અનિવાર્ય બની છે. બુધવારના એક જ દિવસે 67468 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રનો કુલ કેસનો આંકડો 40 લાખ પહોંચી ગયો છે. 568થી વધુ દર્દીઓ રોગચાળા સામે ઝઝૂમી મોતને ભેટી રહ્યા છે.

એક દિવસમાં 67468 નો આંકડો સૌથી વધુ બીજો આંકડો છે. સરકારી અને સ્થાનિક કચેરીઓમાં માત્ર 15 ટકા કર્મચારીઓથી કામ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે લગ્ન પ્રસંગમાં પણ માત્ર એક જ કાર્યક્રમમાં બે કલાકમાં વધુમાં વધુ 25 વ્યક્તિઓથી પ્રસંગ પતાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જો આ નિયમોમાં ફેરફાર કે ભંગ થશે તો પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. પરિવહનમાં પણ ડ્રાઇવર સહિત માત્ર 50 ટકાની ક્ષમતા મુજબ કરવા આદેશ કર્યા છે. નિયમો અને આંતર જિલ્લા અને આંતર શહેરના પ્રવાસ પણ અનિવાર્ય સંજોગોમાં જ કરવાની પરવાનગી આપવામાં આવી છે. બિનજરૂરી પ્રવાસ અને મુસાફરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને નિયમ ભંગ કરનારને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે ખાનગી બસોમાં 50% ની ક્ષમતા મુજબ મુસાફરો બેસાડાશે.