ન્યુ દિલ્હી

૨૦૨૦માં કોરોના વાઈરસ મહાબીમારી ફેલાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી જ વાર વિદેશ પ્રવાસે જવાના છે. તેઓ આવતીકાલે બાંગ્લાદેશ જશે. આ પ્રવાસ બે-દિવસનો રહેશે. પાટનગર ઢાકામાં મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે શિખર મંત્રણા યોજાશે અને એમાં બંને દેશના હિતમાં હોય એવી વ્યાપારી બાબતો, જળ-પ્રબંધન, સુરક્ષા, રેલવે જોડાણ, સ્ટાર્ટઅપ નિર્માણ અને સરહદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. મોદીનો છેલ્લો વિદેશ પ્રવાસ ૨૦૧૯ના નવેમ્બરમાં યોજાયો હતો. ત્યારબાદ કોરોના રોગચાળો ફેલાતાં એમણે પોતાના તમામ વિદેશ પ્રવાસો રદ કર્યા હતા.

બાંગ્લાદેશના ૫૦મા આઝાદી દિવસની ઉજવણી નિમિત્તે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા મોદી બાંગ્લાદેશ જશે. તે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું એમને શેખ હસીના તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રવાસ દરમિયાન મોદી બાંગ્લાદેશના સર્જક અને શેખ હસીનાનાં પિતા શેખ મુજીબુર રેહમાનનાં વતન ગામ તુંગીપારાની મુલાકાતે જશે. મોદી બાંગ્લાદેશના ત્રણ શહેરની મુલાકાત લઈને ૨૭ માર્ચે ભારત પાછા ફરશે. ઉલ્લેખનીય છે કે, ભારતે જ ૧૯૭૧માં બાંગ્લાદેશને પાકિસ્તાનના અંકુશમાંથી આઝાદી અપાવી હતી. આઝાદી પહેલાં બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. ભારતે ૧૯૭૧માં સશસ્ત્ર યુદ્ધ કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું. ૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરે પાકિસ્તાનનું સૈન્ય ભારતીય સેનાને શરણે આવી ગયું હતું અને ત્યારબાદ ભારતની મદદથી જ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.