પૂના-

મહારાષ્ટ્રની પિંપરી ચિંચવાડ પોલીસે ૨ મજૂરો અને એક શાકભાજી વેચનાર પાસેથી ૨૧૬ સોનાના સિક્કા અને એક બ્રોન્ઝનું પાત્ર જપ્ત કર્યું છે. બ્રોન્ઝના પાત્ર પાછળ લખેલી સામગ્રીથી એવું જાણવા મળે છે કે આ સિક્કા ૧૮મી સદીના છે. આજથી ૩ મહિના પહેલા એક મકાનના ખોદકામ દરમિયાન મજૂરોને આ સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કાની કિંમત આશરે રૂપિયા ૧.૩ કરોડ આંકવામાં આવી છે!

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડના પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિક્કા ૧૮મી સદીના મુગલ સમ્રાટ મોહમ્મદ શાહની મુદ્રા હતી. આ સિક્કા ૧૭૨૦-૧૭૫૦ના સમયગાળાના છે અને તેમણે જણાવ્યું કે આ સિક્કા પર અરબી અને ઉર્દુમાં 'શાહની મુદ્રા' અંકિત હતી.

પોલીસના જણાવ્યા મુજબ, ૨ મજૂરો, તેમના સંબંધી, શાકભાજી વેચનારે સિક્કા મળ્યા હોવાનો ખુલાસો કર્યો નહોતો. તેઓ આ સિક્કા વેચવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ, આ સિક્કાની વહેંચણી મુદ્દે તેઓ વચ્ચે વિવાદ હતો. આ વિવાદને જાેતા કોઈએ ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલને આ અંગેની ગુપ્ત સૂચના આપી હતી. આ સિક્કાને વેચવામાં આવે અથવા તે પીગાળવામાં આવે તે પહેલા તે જપ્ત કરવામાં આવ્યા.

ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ, આ લોકો સોનાના સિક્કા વેચવા માગતા હતા પણ તેઓને એ વાતની જાણકારી નહોતી કે આ માટે કોનો સંપર્ક કરવામાં આવે. તેઓ આ સિક્કા વેચવા માટેના કોઈ પ્રયાસ કરે તે પહેલા પોલીસે આ સિક્કા જપ્ત કરી લીધા છે. આ સિક્કા અને બ્રોન્ઝના પાત્રને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સોંપવામાં આવ્યું છે. જે હવે મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.