બોલિવૂડના ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાને ઘણા સોન્ગમાં ચાર ચાંદ લગાવ્યા છે. શ્રીદેવીનાં ‘હવા હવાઈ’ સોન્ગથી લઇને માધુરીના ‘ધક-ધક કરને લગા’ સુધી સરોજ ખાને પોતાના સ્ટેપ્સથી લોકોને પણ ઝૂમવા માટે મજબૂર કરી દીધા. પોતાના 50 વર્ષના કરિયરમાં સરોજે આશરે 2000 સોન્ગને કોરિયોગ્રાફ કર્યા છે, જેમાંથી અમુક બ્લોકબસ્ટર સોન્ગના સ્ટેપ્સ આજે પણ લોકોના દિલમાં વસી ગયા છે. ફેમસ સોન્ગમાં સરોજ ખાને કરેલી કોરિયોગ્રાફી પર એક નજર કરીએ:

હવા હવાઈ(1987)- અનિલ કપૂર અને શ્રીદેવી સ્ટારર ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાના સોન્ગ ‘હવા હવાઈ’એ આવતાની સાથે જ લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી. આ બ્લોકબસ્ટર સોન્ગમાં શ્રીદેવીએ સરોજ ખાને બતાવેલા સ્ટેપ્સ કર્યા છે. ઘણા વર્ષોથી સોન્ગ કોરિયોગ્રાફ કર્યા પછી આ ગીતથી તેમને ફેમ મળ્યું. આ ફિલ્મના બીજા સોન્ગ ‘કાટે નહિ કટતે દિન યે રાત’માં પણ સરોજ ખાને જ કોરિયોગ્રાફ કર્યું હતું.

મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયા હૈ(1989)- વર્ષ 1989માં આવેલી શ્રીદેવી અને રિશી કપૂર સ્ટારર ફિલ્મ ‘ચાંદની’ના સોન્ગ પણ લોકોને ઘણા પસંદ પડ્યા હતા. તેનો શ્રેય સરોજ ખાનની કોરિયોગ્રાફી અને શ્રીદેવીને જાય છે. આ ફિલ્મનું ટાઈટલ સોન્ગ ‘ચાંદની ઓ મેરી ચાંદની’ને પણ સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું.

એક દો તીન(1988)- તેઝાબ ફિલ્મના ‘એક દો તીન’ સોન્ગે માધુરીને એક જ રાતમાં સ્ટાર બનાવી દીધી હતી. આ સોન્ગના દરેક સ્ટેપ સરોજ ખાનના હતા. સોન્ગના આઈકોનિક સ્ટેપ આજે પણ લોકોના દિલમાં વસેલા છે.

ધક ધક કરને લગા(1992)- અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ‘બેટા’નું ગીત ‘ધક-ધક કરને લગા’માં સરોજ ખાને પોતાની સુંદર કોરિયોગ્રાફીનું ઉદાહરણ રજૂ કર્યું છે. આ તે જ સોન્ગ છે જેના પછી માધુરીને ‘ધક-ધક ગર્લ’નું ટાઈટલ મળ્યું. જો કે, સોન્ગમાં અમુક બોલ્ડ સ્ટેપ્સને લઇને ઘણી ટીકા પણ સહન કરવી પડી હતી.

ડોલા રે ડોલા/માર ડાલા(2002)- વર્ષ 2000માં રિલીઝ થયેલી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘દેવદાસ’ બ્લોકબસ્ટર હિટ ગઈ હતી. આ ફિલ્મ સ્ટોરી ઉપરાંત ગીતને લઈને પણ હિટ ગઈ છે જેનો શ્રેય સરોજ ખાનની કોરિયોગ્રાફીને જાય છે. હાલ ભાગ્યે જ કોઈ એવી યંગ છોકરી હશે જેણે ડોલા રે ડોલા ગીતના સ્ટેપ ક્યારેય કર્યા ન હોય. માર ડાલા સોન્ગના સ્ટેપ પણ સરોજ ખાને શીખવાડ્યા હતા. આ સોન્ગનું શૂટિંગ ચાલતું હતું ત્યારે માધુરી દીક્ષિત ગર્ભવતી હતી, જેણે લઇને અમુક મુશ્કેલી આવી પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે એકવાર ફરીથી સરોજ ખાનના વખાણ થયાં.

આ આઈકોનિક હિટ સોન્ગ ઉપરાંત ‘યે કાલી કાલી આંખે’, ‘ચુરા કે દિલ મેરા’, ‘મેહંદી લગા કે રખના’,‘રમતા જોગી’, ‘અલબેલા સાજન આયો રે’ જેવા સોન્ગ કોરિયોગ્રાફ કર્યા. માધુરી દીક્ષિત હંમેશાં સરોજ ખાનની ફેવરિટ સ્ટુડન્ટ રહી છે. તેની સાથે જ સરોજે કલંક ફિલ્મનું ‘તબાહ’ સોન્ગ કોરિયોગ્રાફ કર્યું. તેમણે આલિયા ભટ્ટને પણ ડાન્સના સ્ટેપ્સ શીખવાડ્યા છે.