વોશિંગ્ટન-

ભારતીય મૂળના માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સફળતાની સીડી પર ચડી રહ્યા છે. હવે માઇક્રોસોફ્ટે તેમને પોતાનો ચેરમેન બનાવ્યો છે. નડેલા જ્હોન થોમ્પસનની જગ્યા લેશે. નોંધપાત્ર વાત એ છે કે સત્ય નડેલા વર્ષ ૨૦૧૪માં માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) બન્યા હતા. ઘણી કંપનીઓના અબજાે ડોલરના અધિગ્રહણમાં સત્ય નડેલાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે થોમ્પસન હવે મુખ્ય સ્વતંત્ર ડિરેક્ટર રહેશે. થોમ્પસન ૨૦૧૪માં બિલ ગેટ્‌સ પછી માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા હતા.માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સ હવે કંપનીના બોર્ડમાં નથી અને તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્‌સના પરોપકારી કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કંપનીએ હાલમાં જ શેર દીઠ ૫૬ સેન્ટનો ત્રિમાસિક ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે.માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા પણ ભારતમાં કોરાનાને કારણે થયેલા વિનાશને કારણે ખૂબ જ દુઃખી હતા. તેમણે આ સ્થિતિમાં મદદની ખાતરી આપી અને મદદ કરી.