દિલ્હી-

સોમવારે બજાર ખુલ્યાના પહેલા દિવસે બીએસઈ 647.72 અંક ઉપર અને નિફ્ટી 173.35 પોઈંટના વધારા સાથે ખુલ્યા હતા. પહેલા એક કલાકના કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 900 અંકોનો ઉછાળો જોવાયો હતો. આજે ફાઈનાન્સ, બેંકીંગ અને ફાર્મા શેરોમાં ભારે લેવાલી જોવાઈ હતી. જ્યારે રેલટેલ અને ઈન્ફીબીમના શેરોમાં 17 ટકા સુધીનો ઉછાળો જોવાયો હતો. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે રોકાણકારોને પસંદગીના શેરોમાં ખરીદીને પગલે 15 થી 20 ટકા સુધીનો ફાયદો થઈ શકે છે.

છેલ્લા અઠવાડિયે બજાર મોટા કડાકા સાથે બંધ થયું હતું. શુક્રવારે બીએસઈ 1939.32 અંક નીચે એટલે કે 3.80 ટકાના ઘટાડા સાથે 49,099.99 પર બંધ રહ્યું હતું, જ્યારે નિફ્ટી 568.20 પોઈન્ટ નીચ એટલે કે 3.76 ટકા કડાકા સાથે 14,529.15 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સોમવારે જે અગ્રણી શેરોમાં લેવાલી જોવાઈ હતી તેમાં કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અને એસબીઆઈના બેંકોના શેરોનો સમાવેશ થાય છે. આ શેરોમાં દોઢ ટકાથી ત્રણ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

શુક્રવારે અમેરીકી બજાર ડાઉ જોન્સ 1.50 ટકાના કડાકા સાથે 469.64 અંક નીચે 30,932.40 પર બંધ રહ્યું હતું. જો કે, અમેરીકાનું બીજું બજાર નેસ્ડેક 0.56 ટકાના વધારા સાથે 72.96 અંક ઉપર 13,192.30 પર બંધ રહ્યું હતું.