વડોદરા, તા. ૧

વાઘોડિયાની પારુલ યુનિ. તેમજ વડોદરાની મ.સ.યુનિ.ના વિદ્યાર્થીઓને પાર્ટીડ્રગ્સ તરીકે જાણીતા મેફેડ્રોન સપ્લાય કરીને ડ્રગ્સના રવાડે ચઢાવતા ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરિયલોના ડાયરેક્ટર અને રાઈટરને ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમે ડ્રગ્સની પડીકીઓ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સની પડીકીઓ તેમજ બે મોબાઈલ ફોન,ડ્રગ્સ વેંચાણની રોકડ અને મોપેડ સહિત આશરે ૮૫ હજારની મત્તા જપ્ત કરી તેના આજે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.મુળ બિહારનો વતની તેમજ મહારાષ્ટ્રમાં રહ્યા બાદ હાલમાં શહેરના આજવારોડ પર ભાગ્યલક્ષ્મી ટાઉનશીપમાં રહેતો ૪૩ વર્ષીય અસગરખાન ઉર્ફ બોબી અબ્દુલસત્તાર ખાન વાઘોડિયાની પારુલ યુનિ. તેમજ વડોદરાની મ.સ.યુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઈમ-નારકોટીક્સ સેલને માહિતી મળી હતી. આ માહિતીના પગલે નારકોટીક્સ સેલની ટીમે ગત ૩૦મી તારીખના સાંજે બાતમીદારને સાથે રાખી વાઘોડિયા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન મોડી સાંજે વાઘોડિયાચોકડી તરફતી પ્લેઝર મોપેડ પર અસગરખાન ત્યાંથી પસાર થતા જ પોલીસની ટીમે તેને ઘેરીને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક પુછપરછ બાદ પોલીસે તેની અંગજડતી કરતા તેના બર્મુડાના ખિસ્સામાંથી પારદર્શક પ્લાસ્ટીકના ઝીપવાળા ૭ પાઉચ મળ્યા હતા. આ પાઉચમાં કુલ ૨.૩૧૦ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ હોવાનું બોબીએ જણાવતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે તેની પાસેથી ૨૩,૧૦૦ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ તેમજ બે મોબાઈલ ફોન, એક પ્લેઝર મોપેડ અને રોકડા ૧૮૦૦ સહિત કુલ ૮૪,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેના વિરુધ્ધ નારકોટીક્સ સેલના પીએસઆઈ એન આર પટેલે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી બોબીને મુદ્દામાલ સાથે વરણામા પોલીસને સોંપ્યો હતો.

આ બનાવની સીપીઆઈ આર એન રાઠવાએ તપાસ શરૂ કરી હતી જેમાં બોબીએ જણાવ્યું હતું કે પારુલ યુનિ. અને મ.સ.યુનિ.ના વિદ્યાર્થીઓને ડ્રગ્સનું વેચાણ કરે છે. તે મુળ બિહારનો વતની છે અને થોડોક સમય મહારાષ્ટ્રમાં રોકાઈને હવે વડોદરામાં રહે છે તેમજ વડોદરામાં સાગર સ્ટુડિયો તેમજ લક્ષ્મી સ્ટુડિયોમાં ગુજરાતી ફિલ્મો તેમજ હિન્દી સિરિયલોમાં ડાયરેક્ટર અને રાયટરનું કામ કરે છે. આજે બોબીને કોર્ટમાં રજુ કરાતા તેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.