વડોદરા, તા.૫

જંગલના વૈભવની સુખાનુભૂતિ કરાવીને લોકોમાં કુદરત માટેની ઝંખના અને ચાહના વધારવા માટે રાજ્યના વન વિભાગે જંગલની વચ્ચે કે જંગલને અડીને ઇકો ડેવલપમેન્ટ સાઈટ્‌સ વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ અભિગમને અનુસરીને વન્યજીવ વિભાગ વડોદરાએ ખાસ કરીને મધ્ય ગુજરાતના રતનમહાલ અને જાંબુઘોડાના જંગલોમાં અને પક્ષીતીર્થ વઢવાણ સરોવરની સમીપ ૭ ઇકો ડેવલપમેન્ટ સાઈટ્‌સ અથવા જીવાવરણ વિકાસ કેન્દ્રોની સ્થાપના કરી છે, જે જંગલમાં સરોવરની સમીપે કુદરતના ખોળે સુખનો સમય વિતાવવાની સુવિધા આપે છે. આ સાઈટ્‌સમાં વન્યપ્રાણી સૃષ્ટિ, પ્રકૃતિ અને તેના વૈભવનો જાણે કે ત્રિવેણી સંગમ સધાયો છે જે માતા પ્રકૃતિના સ્નેહની ભીનાશની અનુભૂતિ કરાવવાની સાથે વનસ્પતિ અને પ્રાણીજગતનો પરિચય કરવાની તક આપે છે. પ્રાદેશિક અને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે ઇકો-ડેવલપમેન્ટ સાઇટની સ્થાપના કરવામાં આવી છે. આ સાઇટ્‌સ કુદરતી સંસાધનો, તકનીકી પ્રગતિ અને સંગઠનાત્મક સ્વરૂપોનું સંયોજન છે જે કુદરતી ઇકો સિસ્ટમ અને સ્થાનિક સામાજિક-સાંસ્કૃતિક પરિમાણોને માન આપે છે. વડોદરા વાઇલ્ડલાઇફ ડિવિઝને ૭ ઇકો-ડેવલપમેન્ટ સાઇટ્‌સની રચના કરી હતી. આ સાઈટ્‌સ તે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ છે. જેમને પોતાનો સમય જંગલોમાં વિતાવવાનું પસંદ છે. આ સ્થળોમાં રતનમહાલના ઉધલ મહુડા, નલધા જાંબુઘોડાના ભાટ, ધનપુરી, કડા, તરગોળ, ડભોઇનું પક્ષીતીર્થ વઢવાણા છે. આ ઇકો-ડેવલપમેન્ટ સાઇટ્‌સ રતનમહાલ અને જાંબુઘોડાના આંતરિક વિસ્તારોમાં સ્થિત છે. આ સાઇટ્‌સમાં પર્યટકો માટે રોકાણ અને પેકેજ માટેની તમામ સુવિધાઓ છે. અહીં એસી/નોનએસી ઓરડાઓ તેમજ ઝુંપડાઓ છે જેમાં નાસ્તો, લંચ ડિનર અને વન સંશોધન માટે ગાઈડ સામેલ છે. વડોદરા વન્યપ્રાણી વિભાગ દ્વારા પર્યટન વીમાની પણ કાળજી લેવામાં આવી છે.

વડોદરાથી જાંબુઘોડા વચ્ચેનું અંતર ૮૦ કિ.મી. અને વડોદરાથી રતનમહલ ૧૩૦ કિ.મી. છે.