વડોદરા : શહેરમાં ફાયર સેફટીના સાધનો ન હોવા સાથે ફાયરની એનઓસી નહી લેવા બદલ ફાયર બ્રિગેડે હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી શરુ કરી છે.જે કામગીરી આજે બીજા દિવસે પણ ચાલુ રાખીને ફાયર બ્રિગેડે છ હોસ્પિટલોને સીલ કરી હતી.જેમાં દાંડીયાબજાર ફાયર બ્રિગ્રેડની સામે જ આવેલ સિધ્ધિ હોસ્પિટલ પાસે એનઓસી નહી હોવાથી હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી.

કોરોના કાળ દરમ્યાન અમદાવાદમાં આવેલ કોરોના હોસ્પિટલમાં ભિષણ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા શહેરની કુલ ૬૪૬ જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટીના સાધનો વિકસાવવા તેમજ ફાયર સેફટીના સાધનો હોય તો એનઓસી લેવા જણાવ્યું હતું.પણ કેટલીક હોસ્પિટલ દ્વારા આ સૂચનાની અવગણના કરવામાં આવતા ફાયર બ્રિગેડે એનઓસી વિનાની ૧૨૫ હોસ્પિટમાં ચેકીંગની કામગીરી શરુ કરી હતી.

જેમાં પ્રથમ દિવસે ફાયર સેફટીના સાધનો નહી હોવા અથવા એનઓસી નહી લેવા બદલ આઠ હોસ્પિટલ સીલ કરી હતી.આ કામગીરી આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.અને ફાયર બ્રિગેડની વિવિધ ટીમે આજે ફાયર બ્રિગેડની સામે જ આવેલ અને કોરોના કાળ દરમ્યાન વિવાદમાં આવેલી સિધ્ધિ હોસ્પિટલમાં ચેકીંગ કર્યું હતું.

જેમાં હોસ્પિટલ પાસે ફાયર સેફટીના સાધનો હોવા છતાં એનઓસી લેવામાં નહી આવતા હોસ્પિટલ સીલ કરી હતી.તેવી જ રીતે સમા સ્થિત ગુજરાત સર્જીકલ હોસ્પિટલ,છાણી સ્થિત ચાર્મી હોસ્પિટલ, દિવાળીપુરામાં આવેલી આદિત નર્સીંગ હોમ,હાથીખાના રોડ પર આવેલ મુસ્લિમ મેડીકલ સેન્ટર અને હિમાલીયા કેન્સર હોસ્પિટલ સીલ કરી હતી.ફાયર બ્રિગેડ દ્વારા જ્યાં સુધી તમામ હોસ્પિટલમાં ચેકીંગની કામગીરી કરવામાં આવશે.આ બે દિવસ દરમ્યાન કુલ ૧૪ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે.