રાજકોટ, સુશાસન સપ્તાહના સમાપન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે એરપોર્ટ પર તેના સ્વાગત માટે ભાજપે જંગી ભીડ કરી હતી. એક તરફ ઓમિક્રોનની દહેશત છે ત્યારે એરપોર્ટને જ ભાજપે સભાસ્થળ બનાવી નાખ્યું હતું. મુખ્યમંત્રીના સ્વાગતમાં હજારો કાર્યકરો ઉમટતા એરપોર્ટમાં આવી રહેલા અને બહાર જઇ રહેલા મુસાફરોએ પણ મુશ્કેલી વેઠવી પડી હતી.એરપોર્ટમાં ભાજપે તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં. એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં હતાં અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં હતા. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરતા જાેવા મળ્યા હતા. એરપોર્ટમાં મેળો જામ્યો હોય તેમ રંગબેરંગી છત્રીઓ અને ફૂગ્ગાઓ સાથે ભાજપના કાર્યકરો પરંપરાગત વેશભૂષામાં જાેવા મળ્યા હતા. રજવાડી ઠાઠ સાથે મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓનું સ્વાગત કરાયું હતું.. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી હોય તેવા દૃશ્યો જાેવા મળ્યા હતા. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જાેવા મળ્યા હતા. રોડ શો દોઢ કિમી લાંબો હતો અને મુખ્યમંત્રીની સાથે ૧૦૦ ગાડી અને ૧૦૦૦ બાઇકચાલકો પણ જાેડાયા હતા.રાજકોટ શહેર આપના પ્રમુખ શિવલાલ બારસીયાએ જણાવ્યું હતું કે, હાલ પૂરા વિશ્વમાં એમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. આવી પરિસ્થિતિની ઉદાહરણ નજર સમક્ષ હોવા છતાં પણ આવા સંજાેગોમાં મુખ્યમંત્રી જેવા જવાબદાર પદાધિકારી રાજકોટમાં ભવ્ય રોડ-શો યોજે એ રાજકોટ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. રોડ-શોમાં કોરોનાને આમંત્રણ આપવું એ એક જવાબદાર પદાધિકારી દ્વારા થાય તે એક શરમ જનક ઘટના છે. સરકારી તંત્રો દ્વારા નિયમોનું પાલન કરવાનુ છોડી નિયમોને નેવે મૂકી અને શૈલી, રોડ બ્લોક, સભા-સરઘસ, રોડ-શો, સ્ટેજ, જગ્યા રોકાણ જેમાંની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લીધા વિના પણ તંત્ર દ્વારા કોઈ પણ રીતે રોકવામાં આવતું નથી.