ન્યુ દિલ્હી 

ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલ ફાસ્ટ બોલર શાંતાકુમારન શ્રીસંત ક્રિકેટના મેદાન પર વાપસી માટે તૈયાર છે. તે પ્રેસિડેન્ટ ટી૨૦ કપથી વાપસી કરશે જેનું આયોજન કેરલ ક્રિકેટ એસોસિએશન કરાવશે. વર્ષ ૨૦૧૩મા સ્પોટ ફિક્સિંગના આરોપમાં પ્રતિબંધિત થયા બાદ આ પ્રથમ ઘટના હશે જ્યારે શ્રીસંત પ્રોફેશનલ્સ ક્રિકેટમાં વાપસી કરશે. આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં શ્રીસંત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં સાત વર્ષનો પ્રતિબંધ સમાપ્ત થયો હતો.

આ ટી૨૦ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ હજુ નક્કી થયો નથી કારણ કે કેરલ ક્રિકેટ એસોસિએશન હજુ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું કે, ડ્રીમ૧૧ જ આ લીગની સ્પોન્સર હશે. કેરલ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સજન કે વર્સીગે સ્ટાર સ્પોર્ટસને જણાવ્યુ, જી ખરેખર શ્રીસંત આ લીગનું એક આકર્ષણ હશે. દરેક ખેલાડી એક જ હોટલમાં બાયોબબલમાં રહેશે. અમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ લીગ કરાવવાનું વિચારી રહ્યાં છીએ. કેરલ સરકારની મંજૂરી સૌથી મહત્વની વાત છે.

શ્રીસંત ઘણા સમયથી ક્રિકેટમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો પરંતુ ઓગસ્ટ ૨૦૧૯મા સુપ્રીમ કોર્ટે તેને ઘટાડીને સાત વર્ષનો કરી દીધો હતો. શ્રીસંતને ક્યારેક ભારતીય ફાસ્ટ બોલિંગનું ભવિષ્ય માનવામાં આવતો હતો. તેણે ૨૦૦૭ના પ્રથમ વર્લ્ડ ટી૨૦માં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે વર્ષ ૨૦૦૬મા સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચ દરમિયાન તેણે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી, જેમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ સામેલ હતી. ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ ડ્રો કરાવી હતી. તેણે ભારત માટે ૨૭ ટેસ્ટ, ૫૩ વનડે અને ૧૦ ટી૨૦ મુકાબલા રમ્યા હતા. આ દરમિયાન તેણે ક્રમશઃ ૮૭, ૭૫ અને સાત વિકેટ ઝડપી હતી.