નવી દિલ્હી:

વેસ્ટઈન્ડિઝ સીરિઝ પહેલા શ્રીલંકા ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થર અને અનુભવી બેટ્સમેન લાહિરુ થિરિમાને કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પહેલા કરવામાં આવેલા આરટીપીસીઆર ટેસ્ટમાં ટીમના બે સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ત્રણેય ફોર્મેટમાં સીરિઝ રમવા માટે માર્ચમાં ટીમ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જવાની છે. તે પહેલા 36 સભ્યોનું મંગળવારે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં કોચ અને થિરિમાને પોઝિટિવ આવ્યા હતા. તેના બાદ સરકારની ગાઈડલાઈન અનુસાર તેમને ટીમથી અલગ કરી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાની જાણકારી આપતા ટ્વિટ કર્યું છે. આઈસીસીએ કોચ આર્થર અને થિરિમાનેને જલ્દી સાજા થવાની કામના કરી છે.

હાલની સ્થિતિને જોતા શ્રીલંકાની ટીમનો વેસ્ટઈન્ડિઝ પ્રવાસ 20 ફેબ્રુઆરી 2021થી શરુ થવાની જગ્યાએ આગળ લંબાવવામાં આવી શકે છે. શ્રીલંકાની ટીમ બે ટેસ્ટ, ત્રણ વનડે અને ટી20 સીરિઝ રમશે. માર્ચમાંથી શરુ થનારી આ સીરિઝને આગળ લંબાવવામાં આવી શકે છે.