શાહરૂખ ખાનને તેના ચાહકો ઘણા લાંબા સમયથી સીલ્વર સ્ક્રીન ઉપર મીસ કરી રહ્યા છે. જો કે તેની પ્રોડકશન કંપની સિનેમાઘરો અને ડિઝિટલ પ્લેટફોર્મ ઉપર અનેક રસપ્રદ ફિલ્મો પર કામ કરી રહી છે. એક ન્યુઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાનના પ્રોડકશન હાઉસ મુઝફફરપુર શેલ્ટર હોમ મામલે એક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. અહેવાલોમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે ફિલ્મ માટે અર્જુન કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અર્જુન કપૂર મુઝફફરપુર શેલ્ટર હોમ કાંડની તપાસકર્તા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે.

આ પહેલો પ્રોજેકટ હશે જેમાં શાહરૂખ અને અર્જુન એક સાથે કામ કરતાં જોવા મળશે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મને પુલકિત ડાયરેકટ કરશે જેણે ૨૦૧૭માં થ્રીલર મરૂન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ મુઝફફરપુર શેલ્ટર હોમના ચોંકાવનારા કેસ પર આધારિત છે. આ હોમમાં બળાત્કારના અનેક કેસો મળ્યા હતા. આ હોમને સેવા સંકલ્પ અને વિકાસ સમિતિના નામથી એનજીઓ દ્રારા ચલાવવામાં આવતું હતું.

આ હોમમાં રહેતાં ૪૨માંથી ૩૪ લોકોનું યૌનશોષણ કરવામાં આવ્યું હતું. આ એનજીઓના વડા વ્રજેશ ઠાકુરને મુખ્ય આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી-૨૦૨૦માં દિલ્હી હાઈકોર્ટે તેને કઠોર આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. અર્જુન કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ૨૦૧૯માં ડાયરેકટર આશુતોષ ગોવારિકરની ફિલ્મ પાનીપતમાં જોવા મળ્યો હતો. હવે તે અભિનેત્રી રકુલપ્રિત સિંહની સાથે અનામ ફિલ્મમાં જોવા મળશે.