વડોદરા : વડોદરા મ.ન.પા.ના વોર્ડ નં.૧૬માં ગઈકાલે રેલી દરમિાયન ભાજપ-કોંગ્રેસના કાર્યકભરો વચ્ચે થયેલ અથડામણ બાદ વોર્ડ નં.૧૭ના કોંગ્રેસના ઉમેદવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનરને સંવેદનશીલ મતદાન મથકોની યાદી સાથે યોગ્ય સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવાની માગ સાથે લેખિત રજૂઆત કરી હતી. વોર્ડ નં.૧૬ના કોંગ્રેસના ઉમેદવારે રજૂઆતમાં જણાવ્યું છે કે, સોમા તળાવ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તાર પાલિકાની ચૂંટણીમાં સમાવિષ્ટ વોર્ડ નં.૧૬માં આવે છે. તા.૧૯ના રોજ બપોરે ૧ર.૩૦ વાગ્યાના અરસામાં ભાજપાના ઉમેદવારોના દોરીસંચારથી તેઓના ટેકેદારો દ્વારા ભયનો માહોલ ઊભો કરી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. અસામાજિક તત્ત્વો લોભ, લાલચ, દબાણ, ધમકી વગેરે આપી મતદારોને ડરાવી-ધમકાવી તેઓની તરફેણમાં મતદાન કરાવવાનો કે મતદાન કરતા રોકવાનો પ્રયાસ કરે તેવી પણ શક્યતાઓ રહેલી છે. આ જ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યો ચૂંટણીના દિવસે પણ કરે તેવી અમોને આશંકા છે. જેથી વોર્ડ નં.૧૬માં આવેલા અતિસંવેદશનીલ બૂથ અને અતિસંવેદનશીલ રહેણાંક વિસ્તારોમાં મતદારો ભયમુક્ત રીતે મતદાન કરી શકે તેવા હેતુથી હથિયારધારી જવાનો દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા માગ કરી છે. તા.૧૯ના રોજ બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવું અમો ઈચ્છીએ છીએ, આથી સીસીટીવી કેમેરા જેવા ઉપકરણોથી સજ્જ કરવા અને યોગ્ય સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવા માગ છે.