વડોદરા 

એલેમ્બિક ગ્રૂપની શ્રેનો લિ. કંપનીના ૧૫૦ કામદારોને ૧ નવેમ્બરથી છૂટા કરવાના હુકમ કરાતાં બરોડા લેબર યુનિયનના નેજા હેઠળ આંદોલન ચલાવી રહેલા કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યપાલના આદેશથી જુલાઈ, ૨૦૨૦ના બહાર પાડવામાં આવેલા વટહુકમમાં ઔદ્યોગિક વિવાદ દ્વારા ધારા ૧૯૪૭ અંતર્ગત કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે મુજબ જે કંપનીમાં ૧૦૦ કરતાં કોઈ કામદારોને છૂટા કરવા હોય તો લેબર કમિશનરની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત હતી, તેને બદલીને ૩૦૦ કરતાં વધુ કામ કરતા હોય તેને જરૂર પડે તેવી જાેગવાઈ કરાઈ છે. જેના આધારે ૩૦-૩૦ વર્ષથી કામ કરતાં શ્રેનો કંપનીના ૧૫૦ કામદારોને ૧લી નવેમ્બરથી છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કંપનીની આર્થિક સ્થિતિ ઘણી સારી છે અને છેલ્લા દસ દિવસમાં ૭૦ થી ૭૫ કોન્ટ્રાક્ટના કામદારોની ભરતી કરી છે. આ અંગે યોગ્ય નિર્ણય નહીં થાય તો કંપનીના ગેટ પર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.