વડોદરા, તા.૩૧

ધો.૧૦ની પરીક્ષા પાસ થયા બાદ વિદ્યાર્થીને તેની મનપસંદ સ્કૂલમાં એડમિશન ન મળતાં તેને આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતું. જાે કે, આપઘાતના બનાવ અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ અંગે પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગોત્રી વિસ્તારના અંબિકાનગર પાસે આવેલ ગોકુલનગરમાં નટવરસિંહ વાસોડિયા તેમના પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર તૃપાલસિંહ વાસોડિયા (ઉં.વ.૧૮) ધો.૧૦ની પરીક્ષામાં સારા ટકાએ પાસ થયો હતો. ત્યાર બાદ તેને તેની મનપસંદ સ્કૂલમાં એડમિશન લેવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ કારણોસર તેને મનપસંદ સ્કૂલમાં એડમિશન ન મળતાં તે છેલ્લા બે વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો. આખરે તે માનસિક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ગુમસુમ ફર્યા કરતો હતો. માનસિક ડિપ્રેશનના આવેશમાં તેને ગત રાત્રિએ બેડરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે પરિવારજનોને પુત્રએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં ગમગીની વ્યાપી ગઈ હતી. આપઘાતની જાણ વાયુવેગે પ્રસરી જતાં સોસાયટીના રહેશો, સગાઓ અને મિત્રવર્તુળ સહિતના દોડી આવ્યા હતા. બાદમાં આ બનાવની જાણ ગોત્રી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.