વડોદરા : શહેરના ન્યુસમા રોડ પર રહેતા કોરોનાગ્રસ્ત યુવકે માનસિક તાણમાં આવીને આજે મોડી સાંજે પોતાના ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે પીપીઈ કીટ પહેરીને લાશને નીચે ઉતારી સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

મુળ બિહારન વતની અને હાલમાં ન્યુસમારોડ પર યુનિયનબેંક સામે આવેલી જય યોગેશ્વર સોસાયટીમાં ત્રણેક વર્ષથી પત્ની, પાંચ વર્ષના પુત્ર અને બે વર્ષની પુત્રી સાથે ભાડાના મકાનમાં રહેતા ૩૮ વર્ષીય હરીઓમ જ્હાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. તાજેતરમાં તેનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે ડોક્ટરોની સલાહ મુજબ તેના ઘરમાં ક્વોરન્ટાઈન થયો હતો.

કોરોનાના કારણે હાલમાં મોતના આંક સતત વધતા હોવાની જાણ થતાં છેલ્લા બે દિવસથી હરિઓમ તેને પણ કોરોના થયો છે તો તેની મોંઘીદાટ સારવાર કેવી રીતે કરાવીશ અને નાણાં ખર્ચાઈ જતા પત્ની તેમજ બે સંતાનોનું શું થશે ? તેની ચિંતામાં સતત ગરકાવ રહેતો હતો. આજે મોડી સાંજે તેણે ડિપ્રેશનના કારણે આવેશમાં આવીને તેની રૂમમાં સિલિંગ ફેન સાથે ચાદર બાંધીને ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ પત્નીએ આક્રંદ મચાવતા પાડોશીઓ ઘર પાસે દોડી આવ્યા હતા. આ બનાવના પગલે સમા રોડના સામાજિક કાર્યકર જીતેન્દ્ર સોલંકી પણ ઘટનાસ્થળે દોડી જઈ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે પીપીઈ કીટ પહેરીને લાશને નીચે ઉતારી હતી અને તેને સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં કોરોનાના કારણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાની જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

હાર્ટની બીમારીથી કંટાળેલા વૃદ્ધની કેનાલમાં મોતની છલાંગ

છાણી ટીપી-૧૩ ખાતે રહેતા ૬૧ વર્ષીય ગણપતભાઈ સોલંકી હાર્ટની બિમારીથી પિડાતા હોઈ તેમની તાજેરમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં એન્જીયો પ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકાયા હતા. પરમદિવસે તે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યા બાદ ગઈ કાલે બપોરે તેમણે ઘર પાસે આવેલી કેનાલના કિનારે બુટ કાઢી કેનાલમાં પડતુ મુક્યુ હતું. તે ભેદી સંજાેગોમાં ગુમ થતાં પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી જેમાં તેમના બુટ કેનાલ કિનારે મળતા પરિવારજનોએ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે ગઈ કાલથી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી જેમાં આજે સવારે અંકોડિયા પાસેથી કેનાલમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવની તાલુકા પોલીસ મથકના એએસઆઈ સુરેખાબેને આપઘાતનો બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓનું સાઈકિયાટ્રીસ્ટ પાસે કાઉન્સિલિંગ

કોરોનાથી પિડાતા દર્દીઓમાં સંભવિત મોતનો ભય ફેલાતા તેઓ ડિપ્રેશનમાં આવીને આપઘાત કરતા હોવાનો આ બીજાે બનાવ બન્યો છે. દરમિયાન સતત કોરાનાના કહેરથી ભાંગી પડેલા અનેક દર્દીઓએ હવે માનસિક તાણ દુર કરવા માટે શહેરના સાઈકિયાટ્રીક પાસે ઓનલાઈન કાઉન્સિલીંગ કરીને માનસિક ઉપચાર શરૂ કર્યો છે. મનોચિકિત્સકો પાસે કાઉન્સિલીંગ બાદ કેટલાય દર્દીઓએ આપઘાતનો વિચાર મનમાંથી કાઢી સકારાત્મક વિચારો સાથે કોરોના સામે લડીને જંગ જીતવાનો નિર્ધાર કર્યો છે.