વડોદરા

કોરોનાની મહામારી પર અંકુશ લાવવા માટે સ્થાનિક પોલીસ વિભાગ અને પાલિકાન આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલ વૈશ્ચિક કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સમયે શહેર-જિલ્લામાં પણ કોરોનાની મહામારી મંદ પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે તેવા સમયે કોરોના વાઈરસને વકરતો અટકાવવા માટે સ્થાનિક પોલીસ વિભાગ અને પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રાત્રિ કરફયૂ સહિત તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલ શહેરમાં રાત્રિના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરફયૂ લાદવામાં આવ્યો હોવા છતાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા કરફયૂ ભંગ કરી રહ્યા છે.

ગોત્રી પોલીસ દ્વારા ગઈકાલ રાત્રે ગોત્રી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન રેસકોર્સ, ચકલી સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા માલિક દ્વારા રાત્રિના ૧૦ વાગ્યા સુધી ગલ્લો ચાલુ રાખી કરફયૂનો ભંગ કર્યો હોવાનું જણાઈ આવતાં પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કરફયૂના ભંગ કરનાર કુલ ૯ ગુનાઓ નોંધી ૧૦ વ્યક્તિઓએ કરફયૂનો ભંગ કર્યો હતો. તેઓની પાસે દંડના વસૂલાતની કાર્યવાહી કરાઈ હતી. અત્યાર સુધી રૂા.૧૪.૯૪ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. શહેરમાં રાત્રિ કરફયૂમાં કેટલાક લોકો કામ વગર આંટાફેરા મારી રહ્યા છે અને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. જે લોકો રાત્રિના ૯ પછી બહાર રોડ પર ફરતા દેખાય તેઓની પાસે દંડની વસૂલાત સાથે કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.