સુરત-

સુરત જિલ્લામાં આવેલા શ્રમિકો માટે સોમવારની રાત અમંગળ સાબિત થઈ હતી. આકાશની નીચે આશરે 12 ડિગ્રીમાં ઊંઘી રહેલા પરપ્રાંતીય શ્રમિકોને ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા. આ તમામ શ્રમિકો ગટરના ઢાંકણા ઉપર ઊંઘી રહ્યા હતા. તેમને ખબર પણ નહોતી કે ડમ્પર ચાલક કાળ બની આવી જશે અને પંદર જેટલા પરપ્રાંતિય શ્રમિકોનો ભોગ લઇ લેશે. આ તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો રાજસ્થાનના બાડમેર જિલ્લાના છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જ્યારે એ ડમ્પર ચાલક આરોપી પન્નાલાલે જણાવ્યું હતું કે તેનાથી ભૂલ થઈ છે સ્ટેરીંગ લોક થઈ જતા આ ઘટના બની હતી.

ડમ્પર ચાલક આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેને પણ ઈજા થતાં સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. ડમ્પર ચાલક આરોપી પન્નાલાલે જણાવ્યું હતું કે, તે કોસંબાથી ડમ્પર લઈને આવી રહ્યો હતો. તે દરમિયાન એક ટ્રકના ચાલક સામે આવતા તેને ડમ્પર અને સાઈડ લેતા અચાનક જ ડમ્પરનો સ્ટેરીંગ લોક થઈ ગયો હતો. જેથી આ ઘટના બની છે. ટ્રક ડ્રાઇવરના કારણે તેને ડમ્પર બાજુમાં લીધો હતો તે માને છે કે તેનાથી ભૂલ થઈ છે.રાત્રે બનેલી આ ઘટના બાદ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનામાં દુઃખ વ્યક્ત કરતા તમામ મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. એવું જ નહીં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વિટરના માધ્યમથી સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તને 50 હજારનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ દુખ વ્યક્ત કરી સાંત્વના પાઠવી છે.