અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ મામલે હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. સુશાંતના પરિવારે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયાની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. મળતી માહિતી મુજબ સુશાંત સિંહના પિતા કે.કે સિંહના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો છે.

પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ સુશાંત સિંહ સાથે છેતરપિંડી કરી છે. તેના પૈસા પડાવી લીધા હતા અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં પરિવારથી સુશાંતને સંપૂર્ણ રીતે દૂર કર્યો હતો. ત્યારે આ મામલે, તપાસ કરી રહેલી બિહાર પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી છે. આ ટીમ મુંબઇ પોલીસને મળશે અને કેસની ડાયરી સિવાય જરૂરી દસ્તાવેજો મેળવશે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે બિહાર પોલીસે સુશાંતના મુંબઇમાં નજીકના સબંધીઓની પૂછપરછ કરી હતી.

જે લોકો રિયા અને સુશાંતને જાણતા હતા તેમની બિહાર પોલીસે પણ પૂછપરછ કરી હતી. તે જ સમયે, જ્યારે બિહાર પોલીસ રિયાને પૂછવા તેના ઘરે પહોંચી ત્યારે રિયા ઘરે મળી નહોતી. રિયા સાથે પણ ફોન દ્વારા સંપર્ક કરી શકાયો નહીં. બિહાર પોલીસ રિયાને પૂછપરછ માટે નોટિસ આપવાનું વિચારી રહી છે. હવે બિહાર પોલીસ તે વ્યક્તિની શોધ કરી રહી છે, જેના નામના સીમકાર્ડનો ઉપયોગ સુશાંત દ્વારા કરવામાં આવ્યો હતો.