વોશિંગ્ટન

કોરોનાવાયરસ માણસોમાં કઈ રીતે ફેલાયો એ વિશે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ચર્ચાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ટીમ તરફથી એક મોટો દાવો કરવામાં આવ્યો છે. WHOના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વાયરસ શક્ય છે કે ચામાચીડિયાંમાંથી કોઈ બીજા જાનવર(ઇન્ટરમિડિયરી) દ્વારા માણસો સુધી પહોંચી ગયો છે. એક્સપર્ટ્સે આ વાયરસ વુહાન(ચીન)ની લેબમાંથી લીક થયો હોવાની વાતને ફગાવી દીધી છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું હતું કે વાયરસ વુહાનની લેબમાંથી લીક થયો છે. WHOના એક્સપર્ટ્સે આ શક્યતાને નકારી દીધી છે.

ચીનનું કહેવું હતું કે વાયરસનું ઓરિજિન તેમના ત્યાં ન હતું, પરંતુ એ ઈમ્પોર્ટેડ ફ્રોઝન ફૂડ દ્વારા ત્યાં પહોંચ્યો. એક્સપર્ટે આ શક્યતાથી ઈન્કાર તો કર્યો નથી, પરંતુ કહ્યું હતું કે એની શક્યતા ખૂબ જ ઓછી છે.

જોકે એક્સપર્ટસની ટીમે વાયરસના માણસ સુધી પહોંચવાના કારણને લઈને કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે WHOના એક્સપર્ટ્સની ટીમ કોરોનાવાયરસના ઓરિજિનની માહિતી મેળવવા માટે ચીન ગઈ હતી. આ અંગે મંગળવારે ડિટેલ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અડહેનોમ ગ્રેબ્રિયીસસનું કહેવું છે કે ઈન્ટરનેશનલ એક્સપર્ટ્સ પ્રેસ-કોન્ફરન્સ કરીને જણાવશે કે તેમની તપાસમાં શું પ્રકાશમાં આવ્યું. આ સિવાય તેમણે કહ્યું હતું કે આ મહામારીના ઓરિજિનને લઈને આગળ વધુ સ્ટડીની જરૂરિયાત છે.

કોરાનાવાયરસના કારણે 15 મહિનામાં વિશ્વમાં 27 લાખ લોકોનાં મોત થયાં છે. આ સંક્રમણને કારણે ગત વર્ષે વિશ્વની સરકારોએ ટોટલ લોકડાઉન કરવું પડ્યું હતું. આ લઈને સખતાઈ હાલ પણ ચાલુ છે. લોકડાઉનને કારણે ભારત સહિત વિશ્વના દેશોની ઈકોનોમીને ઘણું નુકસાન થયું છે.

ચીન પર આરોપ લાગ્યો હતો કે કોરોનાવાયરસ વુહાનની લેબમાંથી વિશ્વમાં ફેલાયો હતો. એ પછી WHOએ એક્સપર્ટ્સની ટીમ બનાવીને તપાસ માટે ચીન મોકલી હતી. જોકે ચીને આ વખતે વાંધો વ્યક્ત કર્યો હતો. આ કારણે એક્સપર્ટ્સના રિપોર્ટમાં મોડું થયું. તપાસ ટીમને વુહાનમાં એન્ટ્રી મેળવવા મુશ્કેલી થઈ હતી. આ ટીમ આ વર્ષે 14 જાન્યુઆરીએ વુહાન પહોંચી હતી.