મુંબઈ,તા.૨૭

મુંબઈની ટીમ રણજી ટ્રોફીમાં સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈએ મેચના છેલ્લા દિવસે બરોડા સામે અજાયબીઓ કરી હતી. ૧૦ અને નંબર ૧૧ પર રમતા બેટ્‌સમેનોએ ટીમ માટે સદી ફટકારી હતી. ટીમ તરફથી સ્પિન બોલર તનુષ કોટિયન ૧૦માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જ્યારે ૧૧માં નંબર પર આવતા તુષાર દેશપાંડેએ સદીની ઇનિંગ રમી હતી. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ અને પ્રથમ દાવમાં લીડ લેવાને કારણે મુંબઈને સેમિફાઈનલની ટિકિટ મળી ગઈ. પ્રથમ દાવમાં સદી ફટકારનાર મુશીર ખાન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.તુષાર દેશપાંડેએ ૧૨૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૧૨૩ રન બનાવ્યા હતા. કોટિયને માત્ર ૧૨૯ બોલમાં ૧૨૦ રનની ઇનિંગ રમી હતી. તેણે ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈને ૩૩૭ના સ્કોર પર ૯મો આંચકો લાગ્યો હતો. ટીમનો દાવ ૫૬૯ રન પર સમાપ્ત થયો હતો. બંને બેટ્‌સમેનોએ ૪૦ ઓવરમાં ૨૩૨ રનની ભાગીદારી કરી હતી. તુષાર છેલ્લા બેટ્‌સમેન તરીકે આઉટ થયો હતો.ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર બીજી ઇનિંગમાં જ નંબર ૧૦ અને ૧૧ નંબરના બેટ્‌સમેનોએ સાથે મળીને સદી ફટકારી હતી. આ પહેલા માત્ર ભારતીય જાેડીએ જ ૧૯૪૬માં આવું કર્યું હતું. સરે સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતના ચંદુ સરવતે અને શુતે બેનર્જીએ સદી ફટકારી હતી.