વોશિંગ્ટન-

પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથ લશ્કર-એ-ઈસ્લામનો વડો મેંગલ બાઘ અફઘાનિસ્તાનમાં માર્યો ગયો છે. સરકારે આ સમાચારનું સમર્થન કર્યું છે. એક મામુલી ટ્રક-ક્લીનરથી આતંકવાદી વડો બની ગયેલો બાઘ પહેલા પણ માર્યો ગયો હોવાના સમાચાર ફેલાયા હતા પણ પહેલીવાર તે ખબરને સરકારે પૃષ્ટિ આપી છે. અહેવાલ પ્રમાણે બાઘના ઘરની બહાર બોંબ પ્લાન્ટ કરાયો હતો અને જેવો એ ઘરની બહાર જવા ગયો ત્યાં જ બોંબ બ્લાસ્ટ થતાં વિસ્ફોટમાં તેનું અને તેના પરીવારના કેટલાંક લોકોનું મોત થયું હતું. તેના પર અમેરીકામાં 30 લાખ ડોલર્સનું ઈનામ હતું. 

પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યુનના જણાવ્યાનુસાર, મેંગલ બાઘે અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતના બાંદર ડેરા ખાતે આલિશાન રહેઠાણ બનાવ્યું હતું અને અહીંથી જ એ પોતાના આતંકી સંગઠનના કારસાઓને અંજામ આપતો હતો. ગુરુવારે એ જ ઘરની બહાર વિસ્ફોટ કરાતાં તેનું મોત થયું હતું. મનાય છે કે, તેને મારવા માટે જ બોંબ પ્લાન્ટ કરાયો હતો. 

પ્રાંતિય ગવર્નર જીયા-ઉલ-હક અમારખિલે જણાવ્યું હતું કે, લશ્કર-એ-ઈસ્લામનો વડો મેંગલ બાઘ અચિન પ્રાંતમાં માર્યો ગયો છે. તેના પર અમેરીકન સરકારે 30 લાખ ડોલર્સ (અંદાજે 22 કરોડ રૂપિયા) જેટલું જંગી ઈનામ રાખ્યું હતું. તેનું સંગઠન ખરેખર તો તાલિબાની સંગઠનનો જ હિસ્સો હતું. વર્ષ 2006માં મેંઘલ બાઘ અફરીદી  એક સામાન્ય ટ્રકનો ક્લીનર હતો. તે તાલિબાનોના સંપર્કમાં આવ્યો ત્યારબાદ આતંકવાદી બની ગયો અને લશ્કર-એ-ઈસ્લામની સ્થાપના કરી. તેણે નાટો દેશો પર અનેકવાર હુમલા કર્યા હતા.