જયપુર-

દેશમાં કોરોનાની સાથે મ્યુકરમાઈકોસિસનું જોખમ પણ વધી રહ્યું છે. રાજસ્થાનમાં ઘાતક મ્યુકરમાઈકોસિસ ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યની અશોક ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં મ્યુકરમાઈકોસિસની સારવાર મફતમાં કરવાની જાહેરાત કરી છે. રાજ્યના તબીબી અને આરોગ્ય પ્રધાન ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસિસsના દર્દીઓની સારવાર કોવિડ મુજબ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ફંગલ ઇન્ફેક્શનને ચિરંજીવી યોજનામાં પણ સમાવવામાં આવેલ છે. આરોગ્ય પ્રધાનના જણાવ્યા મુજબ, પ્રારંભિક તબક્કે આ રોગની તપાસ થાય તો જ તેની સારવાર શક્ય છે.

ડો.રધુ શર્માએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસિસના 700 જેટલા દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર હોસ્પિટલોને સરકારના પ્રોટોકોલ મુજબ તેમની સારવાર કરવાની સૂચના આપવામાં આવી છે. બ્લેક ફંગસ ની દવાઓ અને તેના સારવાર દર ખાનગી હોસ્પિટલોમાં પણ નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં, 20 સરકારી અને ખાનગી હોસ્પિટલોને બ્લેક ફંગસ ના ઉપચાર માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે. તે જ સમયે, સરકારી નિયમો અનુસાર ધોરણોને પૂર્ણ કરનારી હોસ્પિટલો પણ સૂચિબદ્ધ થશે. જયપુરની સવાઈ માનસીંગ હોસ્પિટલમાં બ્લેક ફંગસ માટે અલગ વોર્ડ બનાવીને દર્દીઓની સારવાર નિયત પ્રોટોકોલથી કરવામાં આવે છે. આ ઉપરાંત આ રોગથી પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો ડોર ટુ ડોર સર્વે માટે મોકલવામાં આવી રહી છે. ચિકિત્સા અને આરોગ્ય પ્રધાને કહ્યું કે કોરોનાની દવાઓની જેમ મ્યુકરમાઈકોસિસની દવાઓ પણ કેન્દ્ર સરકારના નિયંત્રણમાં લેવામાં આવી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દવાઓના સપ્લાય માટે કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છે.