ગાંધીનગર-

ગુજરાતમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે આ દરમિયાનમાં આગામી વિધાનસભાની ચૂંટણી-2022ની રણનીતિ ઘડવા માટેની ચર્ચા કરવા માટે આજે પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળી હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને નાગરિકો સુધી પહોંચાડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક આજે કમલમ ખાતે મળી હતી. પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને સહિત પ્રદેશ કારોબારી સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીની બેઠકમાં રાજ્યના દરેક જિલ્લા ભાજપ પ્રમુખને વર્ચ્યુઅલી જોડાયા હતા. આ બેઠક આગામી સમયમાં વિધાનસભા- 2022 ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મળી હતી.

બેઠકમાં રાજયમાં આમ આદમી પાર્ટી- ‘આપ’ દ્વારા વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપરથી ચૂંટણી લડવા માટે કમર કસી લીધી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે પણ દિલ્હીથી ગાંધીનગર સુધી મોવડી મંડળ સાથે સતત સંપર્કમાં રહીને પક્ષની રણનીતિ ઘડી છે. આ સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાનો લાભ પ્રજા સુધી વાસ્તવમાં પહોંચાડવા માટે શું આયોજન કરવું? તે મુદ્દાઓ આજની બેઠકમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા હતા. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ સામાન્ય વર્ગને પહોંચે તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારે રાજ્યમાં અમલી બનાવેલી વિકાસલક્ષી યોજના પણ પ્રજા સુધી પહોંચાડવા માટેના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે, ત્યારે તેની સામે કેવી રણનીતિ અપનાવવી તે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ સાથે સરકાર અને સંગઠન વચ્ચેના સેતુને જાળવવા અને સંગઠનના માળખામાં વૃદ્ધિ કરવા અંગે તેમજ બોર્ડ અને નિગમમાં ખાલી પડેલા સ્થાનો ઉપર નિમણૂક આપવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.