ગાંધીનગર-

કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે નવ નિયુક્ત સી.આર પાટીલ કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસો કરીને કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના પગલે ખુદ પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો, આગેવાનો ઉપરાંત કમલમ માં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ઘણા દિવસથી સી.આરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સોમવારે અને મંગળવારે તો કમલમ ખાતે કાર્યકરોનો જાણે મેળો ભરાયો હતો. જો કે હવે એક સાથે 7 લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવાયું છે.

ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આગામી ચૂંટણીઓ જીતવા કોરોના સંક્રમણ કાળમાં સમગ્ર ગુજરાતમાં રેલીઓ કાઢી અને અવારનવાર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીટિંગો યોજી હતી. પરિણામ એ આવ્યું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે તો કોરોના સંક્રમિત થયાં અને સાથે સાથે ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા સહિત અન્ય છ લોકો પણ કોરોના સંક્રમિત થયાં.

તા. 11 અને 12 સપ્ટેમ્બરે ભાજપની ચિંતન બેઠક કમલમ ખાતે યોજાવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપહાસનું કેન્દ્ર બની ગઈ છે. તો પહેલેથી જ કોરોના સંક્રમણના સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગુજરાતના જુદા-જુદા ક્ષેત્રોની યાત્રાને કોંગ્રેસે કોરોના યાત્રા કહીને ઠેકડી ઉડાડી હતી, તે આજે સત્ય સાબિત થઈ છે.