અરવલ્લી,ભિલોડા : અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પ્રચલિત સુનસર ધોધ જીવંત થતા ધોધમાથી ખડખડ વહેતા પાણીનો નયનરમ્ય નજારો અને સોળે કળાએ ખીલી ઉઠેલી વનરાજીનો લૂપ્ત ઉઠાવવા મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા માટે ઉમટી રહ્યા છે.કોરોનાની મહામારીને લઈ સુનસર ગ્રામ પંચાયત દ્વારા ધોધની જગ્યાએ સહેલાણીઓને એકઠા ન થવા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જે પ્રવાસી નિયમનો ભંગ કરશે તો રૂ.૧૦૦૦નો દંડ કરાશે.જયારે મોઢે માસ્ક અને રૂમાલ નહી બાંધનાર વ્યક્તિ સામે રૂ.૫૦૦નો દંડ વસૂલવામાં આવશે. સુનસર ગ્રામ્ય પંચાયતે પડેલા જાહેરનામાંનો ફિયાસ્કો થયો હોય તેમ મોટી સંખ્યામાં રવિવારે સહેલાણીઓ માસ્ક વગર અને ટોળેટોળામાં ઉમટ્યા હતા. ગ્રામ પંચાયતે જાહેરનામું બહાર તો પાડ્યું પણ અમલવારી કરાવવામાં ઉણી ઉતરી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. જિલ્લા પોલીસતંત્રે ધોધ પર કોરોના મહામારી લઈ સરકારે જાહેર કરેલ ગાઈડ લાઈન સહેલાણીઓમાં અમલવારી કરાવે તેવું પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિકોમાં માંગ પ્રબળ બની છે. શનિવારે રાત્રીથી ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થતા વરસતા વરસાદમાં સુનસર ગામે આવેલા ધોધનો નયનરમ્ય પ્રાકૃતિક સુનસર ધોધ નો નજારો જોવા માટે અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જીલ્લામાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.આ ધોધમાં નાહવાથી કોરોના મુક્ત થવાતું હોય તેમ બેફિકર બની માસ્ક પહેર્યા વગર ટોળેટોળામાં ધોધના વહેતા પાણીમાં નાહવાની મજા લેવાની સાથે આજુબાજુના જંગલમાં રખડતાં જોવા મળ્યા હતા. સહેલાણીઓની બેફિકરાઈથી સ્થાનિક લોકો ચિંતિત બન્યા હતા.