ગાંધીનગર, વિશ્વના લગભગ ૧૯૦ દેશોમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસ સ્થાનેથી યોગ પ્રાણાયામ કરીને સૌને તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો હતો. તેમજ મુખ્યમંત્રીએ યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રતિક રૂપે પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા.સમગ્ર વિશ્વમાં આજે ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિન તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વના ૧૯૦ દેશો આજે ‘યોગ દિવસ’ની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સાતમા વિશ્વ યોગ દિનની ગુજરાતમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસ સ્થાનેથી ‘યોગ દિવસ’ની ઉજવણીનો આરંભ કર્યો હતો. જેનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાને યોગ અને પ્રાણાયામ કરીને રાજ્યના નાગરિકોને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સૌને સંદેશો પાઠવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આગામી દિવસોમાં ૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોના માધ્યમથી યોગનો વ્યાપ જન-જન સુધી વિસ્તારવાની સંકલ્પના દર્શાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિકાસશીલ ગુજરાત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ તરફ જઇ રહેલા આપણા રાજ્યમાં જી.ડી.પી. સાથે હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ વૃદ્ધિ કરવા સૌના તન-મન, બુદ્ધિ, આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ તંદુરસ્ત કરીને દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત બનાવવાની નેમ રાખી છે. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમારોહમાં યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રતિક રૂપે પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત યોગ ટ્રેનર્સ-યોગ કોચ અને પદાધિકારીઓ-અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન

કર્યુ હતું.