ચંડીગઢ-

પંજાબ અને હરિયાણા કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું છે કે એક હિન્દુ યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીના વિવાહ ત્યાં સુધી અમાન્ય રહે છે જ્યાં સુધી ધર્મપરિવર્તન ના થાય. જાેકે, કોર્ટે એ પણ કહ્યું છે કે બંને પોતાની રજામંદીથી એક બીજા સાથે રહી શકે છે. નાબાલિગ મુસ્લિમ છોકરીના લગ્નને યોગ્ય ઠેરવવાના એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે આ પ્રતિક્રિયા આપી છે.

પંજાબ અને હરિયાણા કોર્ટની એક બેન્ચે ૧૮ વર્ષની મુસ્લિમ યુવતી અને ૨૫ વર્ષના એક હિંદુ યુવકની એક પીટિશન પર સુનાવણી કરી છે. બંને જણાએ એક મંદિરમાં લગ્ન કર્યા હતા. કોર્ટે એ કહ્યું છે કે છોકરી જ્યાં સુધી હિન્દુ ધર્મ અપનાવી ના લે ત્યાં સુધી આ લગ્ન અમાન્ય રહેશે. બંને વયસ્ક હોવાથી પોતાની મરજીથી સાથે રહી શકે છે.

બંનેએ ૧૫ જાન્યુઆરીના રોજ એક શિવમંદિરમાં હિંદુ રીતિરિવાજાે મુજબ લગ્ન કરી લીધા હતા. બંને પરિવારો તરફથી ધમકીઓ મળ્યા બાદ આ પ્રેમીપંખીડાંએ સુરક્ષા માટે કોર્ટમાં અરજી કરી હતી. બંનેએ એમ પણ કહ્યું કે તેમને અંબાલા એસપી પાસે સુરક્ષા માટે માગણી કરી હતી પણ ત્યાંથી નિરાશા મળતાં કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. એમની પાસે કોર્ટ આવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કોર્ટે આ કેસમાં સુનાવણી સમયે અંબાલા એસપીને આ બંનેની સુરક્ષા વ્યવસ્થા કરવાના તાત્કાલિક નિર્દેશો આપ્યા હતા.