જબલપુર-

કોરોનાના મહામારી વચ્ચે ભારતીય રેલ્વે એક પછી એક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. હવે રેલ્વેએ ટ્રેનના એન્જિન ચલાવવાના ક્ષેત્રે એક વધુ પગલું ભર્યું છે. ભારતીય રેલ્વેએ બેટરી સંચાલિત એન્જિન બનાવ્યું છે અને તેનો સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ કે થોડા દિવસોમાં, બેટરી પર દોડતી ટ્રેનો હવે પાટા પર જોઇ શકાશે.

રેલ્વેના જણાવ્યા અનુસાર આ એન્જિન વીજળી અને ડીઝલ વપરાશને બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતીય રેલ્વેએ માહિતી આપી હતી કે પશ્ચિમ મધ્ય રેલ્વેના જબલપુર વિભાગમાં બેટરી સંચાલિત ડ્યુઅલ-મોડ શન્ટિંગ લોકો 'નવદૂત' બનાવવામાં આવ્યું છે, જેનું પરીક્ષણ સફળ રહ્યું છે. આ બેટરી સંચાલિત લોકો ડીઝલ બચાવવા તેમજ પર્યાવરણીય સંરક્ષણમાં એક મોટું પગલું હશે.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે, "આ બેટરી સંચાલિત ટ્રેન લોકો ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, જે ડીઝલથી વિદેશી વિનિમય બચાવવા અને પર્યાવરણને બચાવવા માટે એક મોટું પગલું હશે."

તાજેતરમાં, રેલ્વેએ સૌર ઉર્જાની શક્તિ સાથે ટ્રેનો ચલાવવાની વાત કરી છે. રેલવેએ આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. રેલ્વેએ મધ્ય પ્રદેશના બીનામાં સોલર પાવર પ્લાન્ટ તૈયાર કર્યો છે. જેના કારણે 1.7 મેગા વોટ પાવર ઉત્પન્ન થશે અને સીધી ટ્રેનોના ઓવર હેડ સુધી પહોંચશે. રેલ્વેનો દાવો છે કે આવું કરનારો ભારત વિશ્વનો પહેલો દેશ છે. રેલ્વેના ઇતિહાસમાં આ પહેલાં અન્ય કોઈ દેશએ કર્યું નથી.

ગયા અઠવાડિયે, રેલ્વેએ 2.8 કિલોમીટર લાંબી માલગાડી ટ્રેનને પાટા પર ચલાવીને ઇતિહાસ રચ્યો. રેલ્વેએ આ ટ્રેનનું નામ શેષનાગ રાખ્યું છે. આ ટ્રેનમાં ચાર એન્જિન લગાવવામાં આવ્યા હતા. 251 વેગન સાથે ટ્રેન દોડી હતી. અગાઉ, રેલ્વે 2 કિમી લાંબી સુપર એનાકોન્ડા ચલાવ્યું હતું, જેમાં 6000 હોર્સપાવરની ક્ષમતાવાળા 3 એન્જિન લગાવવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં 177 લોડ વેગન હતી.