દિલ્હી-

પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા રજૂ થનારા બજેટ પર સૌની નજર તો છે જ, પરંતુ આજે જ એટલે કે સોમવારે જ સંસદની કાર્યવાહી દરમિયાન એક બીજો રીપોર્ટ મૂકવામાં આવશે, જે સામાન્ય વર્ગના લોકો માટે પણ ખૂબ જ મહત્વનો પૂરવાર થવાનો છે અને તેની દેશના અર્થતંત્ર પર ઘણી અસર થઈ શકે છે. 

દર પાંચ વર્ષે બંધારણ દ્વારા જેની નિમણૂક કરાઈ હોય છે એવા નાણા પંચ દ્વારા એક રીપોર્ટ ફાઈલ કરવામાં આવે છે, જેમાં ટેક્સ ઉપરાંત મહેસૂલી આવકના બીજા કેટલાંક સ્રોતોને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે. 

આવી 108 ભલામણો સાથેનો 15મા નાણાપંચનો હેવાલ સોમવારે બજેટસત્ર દરમિયાન પેશ કરવા માટે તૈયાર છે. તો આ ભંડોળ અને તેના દાવેદારોની યાદી સાથેનો રીપોર્ટ રજૂ કરવામાં આવશે. 

દરેક નાગરીકના જીવન પર જે ચોક્કસ અસર કરે છે એ રાજ્યો દ્વારા જીએસટી સ્વરૂપના ટેક્સનું એકત્રીકરણ અને તેની રાજ્યોની વચ્ચે વહેંચણીનો કોયડો આ રીપોર્ટમાં કેવી રીતે ઉકેલાયો છે, એ જોવું મહત્વનું રહેશે. 

રાજ્યો દ્વારા જે કેન્દ્રસ્થ કરવેરામાં ફાળો અપાય છે, એ સતત વધતો રહ્યો છે અને 14મા કમિશનમાં તેની ટકાવારી 42 ટકા સુધીની રહી છે. જીએસટી કલેક્શન અને તેની આવકની કેન્દ્ર-રાજ્ય વચ્ચે વહેંચણી વખતે આરોગ્ય, સંરક્ષણ તેમજ કૃષિક્ષેત્રે જરૂરી ભંડોળને ધ્યાનમાં લેવામાં આવશે. નાણાપંચ આ બાબતે કેન્દ્ર, રાજ્ય સરકારો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે ભંડોળની ફાળવણી બાબતે મુખ્ય ભૂમિકા ભજવે છે. હાલના એટલે કે 15મા નાણાપંચની સ્થાપના 2017માં કરવામાં આવી હતી.