મુંબઇ-

મહારાષ્ટ્રના ભિવંડી ખાતે બિલ્ડિંગ ધરાશયી થવાની દુર્ઘટનામાં મૃતોકનો આંક વધીને 39 થયો છે. પોલીસના જણાવ્યા મુજબ બુધવારે વધુ ૧૪ મૃતદેહો કાટમાળ નીચેથી દટાયેલા મળી આવ્યા હતા. મૃતોકમાં બેથી 15 વયજૂથના 18 બાળકો હોવાનું જણાયું છે જ્યારે ત્રણ શીશુના પણ મોત થયા છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 25 લોકોને કાટમાળ નીચેથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નાની-મોટી ઈજા થતા તેમની ભિવંડીની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ભાર વરસાદ વચ્ચે પણ શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. કાટમાળ નીચે 50 કલાકથી વધુ સમયથી મૃતદેહો પડ્યા રહેતા તેમની દશા અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને લાશો કોહવાઈ ગઈ હતી. સોમવારે પરોઢીયે 3.40 કલાકે જિલાની બિલ્ડિંગ ધરાશયી થયું હતું. આ બિલ્ડિંગ 43 વર્ષ જૂનું હતું. જાે કે ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મતે આ બિલ્ડિંગ જર્જરિત ઈમારતોની યાદીમાં આવતું નહતું.   

બિલ્ડિંગ દુર્ઘટના બાદ બે અધિકારીઓને બરતફર કરવામાં આવ્યા છે તેમજ બિલ્ડિંગના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં 40 ફ્લેટ હતા અને 150 જેટલા લોકો વસવાટ કરતા હતા.