ઉત્તરાખંડ-

ઉત્તરાખંડના ટિહરીમાં રસ્તા પર અચાનક પર્વત પરથી મોટા પથ્થરા અચાનક પડવા લાગ્યા હતા. એ જ સમયે બે યુવક ત્યાંથી સ્કૂટી પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. સદનસીબે તેઓ કાટમાળની ઝપેટમાં આવવાથી માંડ-માંડ બચી ગયા હતા. આ પહેલાં સોમવારે હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. આ ઘટના ઋષિકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંબાથી 15 કિમી દૂર નાગણી પેટ્રોલ પંપ પાસે બની હતી. પર્વત પરથી મોટા પથ્થરો પડવાને કારણે 12.30 વાગ્યે હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો, જેને કારણે એની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. વીજળી અને પાણીની લાઇનો સાથે, જડધાર ગામ તરફ જતો રસ્તો અને મુખ્ય દરવાજો પણ ભારે પથ્થર પડવાને કારણે નાશ પામ્યો હતો. હિમાચલ પ્રદેશમાં સોમવારે જ ભૂસ્ખલનની ઘટના પ્રકાશમાં આવી છે. આ કારણે અહીં નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. રામપુરની જ્યોરીમાં પર્વત તૂટીને હાઇવે પર પડ્યો હતો. જોકે આ ઘટનામાં જાન-માલને કોઈ નુકસાન થયું નથી. જિલ્લા વહીવટીતંત્રે આ ઘટના પહેલાં જ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધું હતું. સાવચેતીના ભાગરૂપે પોલીસકર્મચારીઓ પણ તહેનાત કરવામાં આવ્યા હતા. એને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.