ગાંધીનગર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની જેમ ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે કે પરીક્ષા લેવાશે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચા વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયા રૂપાણીએ સ્પષ્ટ પણે કહ્યું હતું કે, ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ, માસ પ્રમોશન આપવાનો કોઈ વિચાર નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેને લઈને હવે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે કે કેમ? તે અંગેની ચર્ચાઓ વહેતી થઇ હતી. જે અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી એક મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો કોઈ જ વિચાર નથી. તેમની પરીક્ષાઓ લેવાશે જ. કારણ કે, તેમને માસ પ્રમોશન આપવું ઘણું અઘરું બની જશે. ધોરણ ૧૨ બાદ યુનિવર્સિટી (કોલેજ)માં પ્રવેશ મેળવવા માટે મેરિટના ધોરણે પ્રવેશ પરીક્ષાઓ યોજાતી હોય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કોરાનાની સમિક્ષા માટે મહત્વની એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપરોક્ત બાબત જણાવીને કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિ સામાન્ય બન્યા બાદ ધોરણ ૧૨ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હાલ પરીક્ષાની કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. તાજેતરમાં જ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ની પરીક્ષાને રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં મળેલી કોર કમિટીની બેઠક બાદ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.