દે.બારીયા, કોરોનાની મહામારીના સમયે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં પ્રસૂતિ માટે ઝાલોદ તાલુકાના મીરાખેડી પી.એચ.સી સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. જ્યાં મહિલાએ બાળકીને જન્મ આપતા આ બાળકીનો જન્મ કોરોના કાળમાં થયો હોવાથી શ્રમજીવી પરિવારે બાળકીનું નામ કોરોનાબેન રાખ્યાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે તેવા સમયે દાહોદ જિલ્લામાં આદિવાસી પરિવારમાં જન્મેલી બાળકીનું નામ કોરોનાબેન રાખવામાં આવતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામના આદિવાસી પરિવારના અલ્કેશ ભાઈ ના લગ્ન સમી બેન નામની તેમના જ સમાજની યુવતી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. સમય જતા સમીબેન ગર્ભવતી બનતા તે કોરોના કાળમાં લોક ડાઉન દરમિયાન પોતાના પિતાને ત્યાં પિયરમાં પ્રથમ પ્રસૂતિ હોવાથી આવી હતી.તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનના સમયે સમીબેનને પ્રસૂતિની પીડા ઉપડતાં સમીબેનના માવતર તેણીને પ્રસૂતિ માટે મીરાખેડી પી.એચ.સી સેન્ટર ખાતે લાવ્યા હતા. જ્યાં સમીબેને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા તથા પુત્રી બંને સ્વસ્થ હોવાથી તેઓ બંનેને દવાખાનામાંથી રજા આપવામાં આવી હતી. કોરોના કાળમાં જન્મેલી આ બાળકીના નામકરણનો સમય આવ્યો ત્યારે બાળકીના માવતરે આ બાળકીનું રાજીખુશીથી અને સ્વસ્થ ચિત્તે કોરોનાબેન નામ પાડ્યું હતું.