વડોદરા - પાંચ વર્ષ પૂર્વે જ શિવાજીપુરીના રહીશોને ફાળવવામાં આવેલ નૂર્મ આવાસ યોજનાના સર્વોદયનગરના મકાનો જર્જરિત બનતાં રહીશોએ લાભાર્થીઓને સ્થળાંતર કરીને નવા મકાનો આપવાની માગ કરી હતી.  

જિલ્લા કલેકટરને અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૫માં અટલાદરા ખાતે આવેલ જેએનએનયુઆરએમબીએસયુપી ફેઝ-૩ પેકેજ હેઠળ મકાનો શિવાજીપુરીના લાભાર્થીઓને આપવામાં આવેલ છે. ફક્ત પાંચ વર્ષમાં મકાનો જર્જરિત હાલતમાં થયા છે. લાભાર્થીઓના ઘરોમાં પાણી આવે છે જે ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે છે તેમજ તા.૧૩ ઓગસ્ટના રોજ કાર્યપાલક ઈજનેરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ કામગીરીના જે કોઈ અધિકારી તથા કોન્ટ્રાકટરની આગેવાનીમાં ઈમારતો બનાવવામાં આવી હતી તેથી અધિકારી તેમજ કોન્ટ્‌્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. આ ઉપરાંત જે પ્રમાણે સન ૨૦૧૩માં માધવનગરના મકાનો ધરાશાયી થયેલ જેમાં આશરે ૧૧ લોકોના મૃત્યુ થયા છે એ જ હોનારત ફરી શિવાજીપુરી સર્વોદયનગરમાં ન થાય એ માટે વહેલીતકે સૌ લાભાર્થીઓને સ્થળાંતર કરી તેના આવાસો બનાવી આપવા રજૂઆત કરી છે.