દિલ્હી-

કૃષિ કાયદાની વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના ભાગરુપે મંગળવારે પ્રજાસત્તાકદિને રાજધાનીમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલીમાં આખરે જેની આશંકા હતી તે જ થયું હતું એટલે કે, ખેડૂત આંદોલન બેકાબુ બન્યું હતું અને ખેડૂતોએ અનેક ઠેકાણે બેરીકેડ તોડવાની સાથે પથ્થરબાજી પણ કરી હોવાના હેવાલ મળ્યા હતા. લાલ કિલ્લા સુધી ઘૂસણખોરી કરવાના પ્રયાસોને ખાળવા પોલીસે આખરે ટીયરગેસ સેલ્સ અને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો અને પોલીસ તેમજ ખેડૂતો આમને-સામને આવી ગયા હતા. 

પોલીસ સાથેની વાટાઘાટો દરમિયાન ખેડૂતોને ટ્રેક્ટર રેલીનો સમય બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો અપાયો હોવા છતાં સિંઘુ અને ગાઝીપુર બોર્ડરો પર ખેડૂતોએ પોલીસ માટે સવારે 6-30 વાગ્યાથી જ પોલીસે લગાવેલા લોખંડના બેરીકેડ્સ તોડવાની શરૂઆત કરી દઈને સમસ્યા ઊભી કરી દીધી હતી. 8 વાગ્યા સુધીમાં તો સિંઘુ અને ટીકરી બોર્ડર પરના બેરીકેડ્સ પણ ખેડૂતોએ તોડી નાંખ્યા હતા અને 10 વાગતા સુધીમાં તો રાજધાનીમાં 7,000 જેટલા ટ્રેક્ટર ઘૂસી ગયા હતા. પોલીસ સાથેની બેઠક દરમિયાન ટ્રેક્ટર રેલીના નક્કી કરાયેલા રૂટથી ભટકી જઈને અનેક ટ્રેક્ટરચાલકોએ  ઠેક-ઠેકાણે ભારે ઝડપથી ધસી જઈને બેરીકેડ્સ તોડી નાંખ્યા હતા તો ક્યાંક પોલીસ કાફલા તરફ ધસી ગયા હતા. ખેડૂતોના ટોળામાંના કેટલાંકે લાલ કિલ્લા તરફ ધસી જઈને તોફાન મચાવતાં પોલીસે તેમને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો તેમજ ટીયરગેસના સેલ્સ છોડ્યા હતા. સમગ્ર ઘટના દરમિયાન દિલ્હી પોલીસે ભારે સંયમથી કામ લીધું હતું અને પોલીસે સમજાવવા પ્રયાસ કર્યા હોવા છતાં આંદોલન હિંસક બન્યા બાદ પરીસ્થિતી વકરી હતી અને હિંસામાં 152 જેટલા જવાનો ઘવાયા હતા જેમાંના અડધાને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કેટલાંકને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. એક ખેડૂતે પોતે ભયાનક રીતે ફાસ્ટ ટ્રેક્ટર ચલાવીને બેરીકેડમાં ધસી જતાં પોતે ઘટનાસ્થળ પર જ મોતને ભેટ્યો હતો.

પશ્ચિમી દિલ્હી, ઉત્તર અને શાહદરા જેવા વિસ્તારોમાં મળીને 15 જેટલી એફઆઈઆર નોંધાઈ છે. પૂર્વ રેન્જમાં પોલીસે 4 હિંસાના ગુનાની નોંધ કરી છે. તોફાની તત્વોએ ડીટીસીની 8 બસો, 17 જાહેર વાહનો અને 300થી વધુ લોખંડના બેરીકેડ્સ તોડી નાંખ્યા હતા. સરકારી સંપત્તિને નુકસાન તેમજ હથિયારોની લૂંટ જેવા કેસ પણ દાખલ થયા હતા. કેટલાક ખેડૂતો અક્ષરધામ અને મિલેનિયમ પાર્ક થઈને આઈટીઓ પહોંચી ગયા હતા અને સિંઘુ તેમજ ગાઝીપુરના આંદોલનકારી ખેડૂતોએ સાથે મળીને બેરીકેડ તોડવાનું શરુ કરી દીધું હતું. અહીં ઉપદ્રવીઓને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ્સ છોડવા પડ્યા હતા. 

ટીકરી બોર્ડર પર પણ ખેડૂતોને અપાયેલા નજફગઢના રુટને બદલે તેમણે મધ્ય દિલ્હીના પીરાગઢી તરફનો રસ્તો લીધો હતો. આ બધી સ્થિતીથી ગળે આવી જઈને આખરે 12-30 કલાકે પોલીસે ટીયરગેસના સેલ્સ છોડવા પડ્યા હતા. સામસામે સંઘર્ષ વધતાં તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.