સેલવાસ-

સેલવાસમાં સ્માર્ટ સિટી વિભાગે ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કર્યા બાદ તેને લોકોએ પસંદ કરી છે. એટલે તે સેવાને અનુરૂપ 15થી વધુ બસ નિયત રૂટ પર દોડી રહી છે. તેના ચાર્જિંગ માટે સ્ટેશન બનાવવાની શરૂઆત કર્યા બાદ તે સ્ટેશનને ખુલ્લું મૂક્યું છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આ ચાર્જિંગ સ્ટેશન સેલવાસના APJ અબ્દુલ કોલેજની નજીક ઉભુ કરવામાં આવ્યું છે. એ અંગે સેલવાસ પ્રશાસનનું કહેવું છે કે, આ ચાર્જિંગ સ્ટેશનની જેમ જ આગામી દિવસોમાં અન્ય ઇલેક્ટ્રિક બાઇક-કારની ખરીદીમાં લોકોને પ્રોત્સાહન મળે તે માટે બીજા ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરવામાં આવશે. સેલવાસને સ્માર્ટ સિટી બનાવવા હાલ અન્ય અનેક વિકલ્પો પર કામ ચાલી રહ્યા છે. જેમાં ગ્રીન પ્રોજેકટ મહત્વનો પ્રોજેકટ છે. પ્રદૂષણમાં ઘટાડો કરવા ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ભાર મુક્યો છે. એ સાથે જ શહેરીજનોને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની નેમ પણ પ્રશાસન અને નગરપાલિકાની છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ શહેરને ભારત સરકાર દ્વારા 100 સ્માર્ટ સિટીમાં સામેલ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સેલવાસમાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ્યથી ઇલેક્ટ્રિક બસ સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. સેલવાસથી દમણ વચ્ચે દોડતી આ બસ માટે તેમજ આગામી દિવસોમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો માટે સુવિધાસજ્જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.