દિલ્હી-

દેશમાં ભયાનક સ્તરે વધી રહેલા કોરોનાના કેસને પગલે શનિવારે કોંગ્રેસ દ્વારા વર્કિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, દેશમાં માહામારી ફેલાઈ ગયાને એક વર્ષ થયું અને સરકાર પાસે પૂરતો સમય હતો છતાં આ મહામારીને કાબુ કરવા કે લોકોને સાચવવા માટે સરકારે એકપણ મજબૂત માળખું બનાવ્યું નથી કે નીતિઓ અમલમાં મૂકી નથી. દેશમાં ચારે તરફ મોતનું તાંડવ ચાલી રહ્યું છે, ઓક્સિજનની અછત છે, બેડની અછત છે, લોકોને દવાઓ મળતી નથી, સારવાર મળતી નથી, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓનું માળખું જ ધરાશાયી થઈ ગયેલું છે. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે મેં વડા પ્રધાનને પત્ર પણ લખ્યો હતો છતાં તેમના તરફથી માત્ર મૌન ધારણ કરવામાં આવેલું છે.

બીજી તરફ કેટલાક રાજ્યોમાં તમામ બાબતોનો સપ્લાય સતત ચાલુ છે. વિપક્ષ દ્વારા કરવામાં આવતા રચનાત્મક સુચનોને પણ કેન્દ્રીય મંત્રીઓ દ્વારા સરકારની બીનજરૂરી ટીકામાં ખપાવી દેવાય છે. વિપક્ષના નેતાઓ સુચન કરે ત્યારે સરકારના મંત્રીઓ ‘મારું અને તમારું’ જેવું બાલિસ રાજકારણ કરે છે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, દેશમાં ૨૫ વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવે. માહમારીથી પીડિતા લોકોને સરકાર દ્વારા ૬૦૦૦ની આર્‌થિક સહાય પણ કરવામાંઆવે. સીડબ્લ્યૂસીની બેઠકમાં રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે, દેશમાં ટીકા નથી પણ ઉત્સવો ઉજવાય છે. રાહુલે કહ્યું હતું કે, સરકાર પાસે કોરોનાને ડામવા માટે કે લોકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે કોઈ સ્ટ્રેટેજી જ નથી.