દિલ્હી-

જીએસટી કાઉન્સિલની બેઠક ૨૮મેએ યોજવાની જાહેરાત નાણાં મંત્રાલયે કરી હતી. જકાત, સેવા કર અને વેટ સહિત અનેક સ્થાનિક કરની બાદબાકી કરીને ૨૦૧૭માં જીએસટી કરની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રનાં નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રતિનિધિઓની જીએસટી કાઉન્સિલ દર ત્રિમાસિક ગાળામાં એક વખત જીએસટી સંબંધી સમસ્યાઓના સમાધાન માટે બેઠકનું આયોજન કરે છે.

જાેકે, આ અગાઉ જીએસટીની કાઉન્સિલની બેઠકનું આયોજન પાંચમી ઑક્ટોબર ૨૦૨૦નાં દિવસે રાજ્યોને જીએસટીની આવકમાં થયેલા નુકસાનની ભરપાઇ માટે બોરોઇંગનો મુદ્દો ચર્ચવા માટે થયું હતું. એ વખતે બેઠક લંબાઇ હતી અને છેવટે ૧૨મી ઑક્ટોબરે બેઠક સમાપ્ત થઇ હતી. નાણાં મંત્રાલયે કરેલી જાહેરાતમાં જણાવાયું હતું કે કેન્દ્રના નાણાં પ્રધાન ર્નિમલા સીતારામનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક ૨૮મેએ નવી દિલ્હીમાં ૧૧ વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. આ બેઠકમાં રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર સહિત બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે.