અંબાજી,તા.૨૨  

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સોમવારના રોજ યુ ટયુબના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ વિષય પર ઇ-કાર્યશાળાનુ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર અને દાંતીવાડા કૃષિ યુનિ.ના કુલપતિ ર્ડા. આર. કે. પટેલની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો હતો.વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. વી. ટી. પટેલે પ્રાકૃતિક કૃષિ ઇ-કાર્યશાળાના આયોજનના હેતુ વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કૃષિ રસાયણોના આડેધડ અને બેફામ ઉપયોગના કારણે જળ, જમીન અને પર્યાવરણની સમતુલા ખોરવાઇ છે માટે ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને તે માટે ખેડુતોને માર્ગદર્શન અને સાચી દિશા મળી રહે તે હેતુસર આ ઇ-કાર્યશાળાનું આયોજન કરાયું હતું. ખેડુતોને તેનો લાભ લેવા જણાવ્યું હતું. કુલપતિ ર્ડા. આર. કે. પટેલે જણાવ્યું કે, ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા, ઓછા સંશાધનોથી વધુ પાક ઉત્પાદન મેળવવા, નાના ખેડુતોને હવામાનના પડકારો સામે પણ અડીખમ ઉભા રાખવા, ખેડૂતોની આજીવિકા સુધારવા તેમજ તેમનું ભાવિ સલામત બનાવવા પ્રાકૃતિક કૃષિ યોગ્ય ઉપાય છે. પ્રાકૃતિક કૃષિ નો મુખ્ય ઉદ્દેશ વધુ ઉપજ તરફ જ ધ્યાન આપતા અને જૈવ વિવિધતાને નુકસાનકર્તા, જમીન અને પાણી જેવા કુદરતી સંશાધનોને પ્રદૂષિત કરતાં અને જમીનને બીનઉપજાઉ કરતાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ નાબૂદ કરીને પ્રાકૃતિક કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.