આણંદ : દર વર્ષે તા.૧૬ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા અને જિલ્લા માહિતી કચેરી આણંદ, ખેડા-નડિયાદ, પંચમહાલ-ગોધરા, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે કોવિડ-૧૯ દરમિયાન માધ્યમોની ભૂમિકા અને પ્રભાવ વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતંુ. આ વેબિનારમાં નવરચના યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક હિતાર્થ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.   

વેબિનારની શરૂઆતમાં પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે ઉદ્દેશ્યથી સેમિનારને બદલે વેબિનાર યોજી જાેડાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહામારી દરમિયાન માધ્યમોએ અસરકારક ભૂમિકા ભજવી જનમાનસમાં જાગૃત્તિ ઊભી કરવાનું મહત્વનું કામ કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની રહ્યાં છે.

નવરચના યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક હિતાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાની બની શકતી નથી, કંઇને કંઇ શીખવાનું બાકી રહી જતું હોય છે. રોજ કંઇક નવું આવે અને તે સમાજ સુધી પહોંચાડવું અને સમાજમાં કંઇક ફરક પડે તે કાર્ય સમાચાર માધ્યમો કરે છે. કોવિડ-૧૯ની મહામારી દરમિયાન માધ્યમોએ પોતાની જવાબદારી નિભાવી સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સાચા અર્થમાં ઉજાગર કર્યુ છે.

સમાચાર માધ્યમ સાથે જાેડાયેલાં તમામ પહેલી હરોળના કોરોના વોરિયર્સ છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યુ કે, આ એવાં યોદ્ધાઓ છે, જે જાણે છે કે સામે રહેલો દુશ્મન આધુનિક સાધનોથી સુસજ્જ છે અને તેનાં સામે લડત આપવાની છે. છતાં પણ સમાજ સુધી સમાચારો પહોંચાડવાનું કાર્ય કોરોના મહામારી દરમિયાન કર્યુ હતું અને આજે પણ કરી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ પછી વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ કફર્યુ લાગું કરવામાં આવશે, તેવાં સમાચાર અધિકૃત્ત થાય ત્યારે બ્રેક કરવા કે રાહ જાેવી તે એક પડકાર છે. પહેલાં હું બ્રેક કરું તે કરતાં લોકો સુધી સાચી માહિતી પહોંચે તે વધુ મહત્વનું છે, જેથી લોકોનો ભરોસો જળવાઇ રહે. સર્કયુલેશન-ટીઆરપીનો છેડો લોકો સુધી કેવી માહિતી પહોંચાડવામાં આવે તે છે. લોકોનો ભરોસો ન રહે તો સમાચાર માધ્યમો માટે મુશ્કેલી છે. ખોટાં સમાચાર પત્રકારનો પીછો ક્યારેય છોડતા નથી, તેમ કહેતા તેમણે દૃષ્ટાંતો જણાવ્યા હતા. સિટીઝન જર્નાલિઝમ ફાયદાકારક અને ઘાતક છે. ક્લાસરૂમમાં જર્નાલિઝમ ભણાવવું અને ફિલ્ડ પર કામ કરવું તે બહું જુદું હોય છે. સમાચાર માધ્યમ સાથે જાેડાયેલાં હોય તેમાં માટે ગ્રહણ કરવાની અને ઓબ્ઝર્વ કરવાની ક્ષમતાનું ઘણું મહત્વ છે.

વડોદરા પ્રાદેશિક માહિતી કચેરી નાયબ માહિતી નિયામક બી.પી. દેસાઇએ વેબિનારની શરૂઆતમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ વેબિનારમાં માહિતી ખાતાના અધિકારી-કર્મચારીઓ અને પત્રકારો તથા પત્રકારત્વમાં રસ ધરાવતા તમામ સાથે હિતાર્થ પંડ્યાએ પ્રશ્નોત્તરી કરી હતી. આ વેબિનારમાં આણંદ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક એન.એચ. ઉપાધ્યાય, સહાયક માહિતી નિયામક સંજય શાહ સહિત તમામ કર્મચારીઓ જાેડાયાં હતા.