વડોદરા, તા.૪ 

શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં વગર પરવાનગીએ વ્યાપારી સંકુલો અને દુકાનો બની જાય છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. જાે કે, રહેણાંક વિસ્તારોમાં દુકાનો બનીને શરૂ થયા પછી સ્થાનિક રહીશો રજૂઆત કરે છે. કેટલાક કિસ્સાઓમાં તો છેક મુખ્યમંત્રી ઓનલાઈન સુધી રજૂઆત બાદ પાલિકાતંત્ર દોડતુ થાય છે. આજે હરણી-વારસિયા રિંગ રોડ પર સંગમ ચાર રસ્તા પાસે રહેણાંક જગ્યામાં કોઈ પણ પરવાનગી વગર ચાલતી ત્રણ દુકાનોને પાલિકાતંત્રે સીલ કરી હતી.

શહેરના પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નં-૨માં સમાવિષ્ટ સંગમ ચાર રસ્તા પાસે આવેલ આકાશદીપ સોસાયટીના મકાન નં-૧૫માં પરવાનગી લીધા સિવાય કોમર્શિયલ હેતુ માટે ત્રણ દુકાનો બાંધી દેવામાં આવી હતી. તંત્રને આ અંગેની જાણ થતાં આજે ટીડીઓ વિભાગના બિલ્ડિંગ ઈન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ દબાણ ટીમ તેમજ વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. ટીડીઓ અને દબાણ ટીમે રહેણાંક જગ્યામાં પરવાનગી વગર બનાવાયેલ ફાર્મસી, હેર કટિંગ સલૂન અને લેડીઝ ટેલરની દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. જાે કે, પાલિકા દ્વારા રહેણાંક અને કોમર્શિયલ ઝોન અલગ બનાવ્યા નથી, તેથી શહેરના અનેક સ્થળે ખાસ કરીને જૂના શહેરી વિસ્તારોમાં, પોળોમાં પણ દુકાનો બની જતાં ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બની છે. કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ બનાવવાની જરૂર હોવાની રજૂઆત અનેક વખત થઈ છે, પરંતુ તે દિશામાં પણ કોઈ

કાર્યવાહી કરાઈ નથી.