મુંબઇ 

પાકિસ્તાનના પ્રાંત ખૈબર પખ્તુનખ્વાની સરકારે અભિનેતાઓ દિલીપ કુમાર અને રાજકપુરના વડવાઓની હવેલીઓની કિંમત નક્કી કરી હતી. તે પ્રમાણે રાજકપુરના દાદાની હવેલીની કિંમત રૂ.૧.૫૦ કરોડ અને દિલીપ કુમારના પિતાની હવેલીની કિંમત રૂપિયા ૮૦.૫૬ લાખ નક્કી કરાઇ હતી. સપ્ટેમ્બરમાં પ્રાંતીય સરકારે જાહેરાત કરી હતી કે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી બંને હવેલીઓ ખરીદી ત્યાં મ્યુઝિયમ બનાવશે.

પેશાવરમાં બંને હવેલીની સ્થિતિ કથળી ગઇ

જો કે પેશાવર શહેરના હાર્દ સમાન વિસ્તાર કિસ્સા ખ્વાની બજારમાં આવેલી બંને ઇમારતો અત્યંત કથળી ગયેલી છે અને બંનેને રાષ્ટ્રીય વિરાસત જાહેર કરાઇ હતી. બંને હવેલીઓનો અહેવાલ મળ્યા પેશાવરના નાયબ કમિશનર મુહમ્મદ અલી અસગરે દિલીપ કુમારની હવેલીની કિંમત ૮૦.૫૬ લાખ અને રાજકપુરની હવેલીની કિંમત ૧.૫૦ કરોડ રૂપિયા નક્કી કરી હતી.

ઐતિહાસિક ઇમારતોને ખરીદવા માટે પુરાતત્વ ખાતાએ બે કરોડની ફાળવણી કરવા વિનંતી કરી

જ્યાં બંને મહાન કલાકારે અને દંતકથા બની ગયેલા અભિનેતાઓ જન્મ્યા હતા અને જ્યાં તેમણે પોતાનું બાળપણ ગુજાર્યું હતું એવી આ બંને ઐતિહાસિક ઇમારતોને ખરીદવા માટે પુરાતત્વ ખાતાએ પ્રાંતિય સરકાર પાસે રૂપિયા બે કરોડની ફાળવણી કરવા વિધિવત વિનંતી મોકલી હતી. કપુર તરીકે ઓળખાતી રાજકપુરના દાદા લાલા બશેશ્વરનાથની હવેલી ૧૯૧૮ અને ૧૯૨૨ વચ્ચે બંધાઇ હતી. રાજ કપુર અને ત્રિલોક કપુર આ હવેલીમાં જન્મ્યા હતા.

જ્યારે એક સો વર્ષ જુની દિલીપ કુમારના પિતા સરવર ખાન પઠાણની હવેલી કિસ્સા ખ્વાની બજારમાં આવેલી છે જેને મહાન અભિનેતાના દાદાએ બનાવી હતી. ૨૦૧૪માં આ હવેલીને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે નેશનલ હેરિટેજ જાહેર કરી હતી.