નવી દિલ્હી

ફેસબૂક પરથી 5.62 લાખ ભારતીય નાગરિકોનો ડેટા ઉઠાંતરી કરવા બદલ યુ.કે.ની કંપની કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે સીબીઆઈએ કેસ ફાઈલ કર્યો છે. દોઢ વર્ષ પહેલા સીબીઆઈએ તપાસ આદરી હતી અને હવે મજબૂત પુરાવા મળતા આ કંપનાની પ્રતિનિધિ એલેક્ઝાન્ડર કોગન સામેે કેસ ફાઈલ કર્યો હતો. 

2018માં ગાજેલા આ કૌભાંડથી ફેસબૂક પર યુઝર્સનો અંગત ડેટા કઈ રીતે લિક થાય છે અને ફેસબૂક કેટલી હદે ડેટા સુરક્ષા મુદ્દે બેદરકાર છે તે જગજાહેર થયું હતું. કેમ્બ્રિજ એનાલિટીકાનું કામ પોલિટિકલ પાર્ટીઓના કન્સલ્ટિંગનું અને સોશિયલ મીડિયા મેનેજ કરવાનું હતું. ફેસબૂક પાસેથી મળતી માહિતીનો ઉપયોગ આ કંપનીએ મતદારોને વિવિધ રાજકીય પક્ષ કે ઉમેદવાર તરફ વાળવા માટે કર્યો હતો. 

યુઝર્સની માહિતી હાથ લાગ્યા પછી એ કોને પસંદ કરે છે, કઈ રાજકીય વિચારધારા ધરાવે છે, વગેરે જાણકારી કેમ્બ્રિજ એનાલિટીકાએ હાંસલ કરી હતી અને તેનો ઉપયોગ અમેરિકી પ્રમુખની ચૂંટણી (2015-16), બ્રેક્ઝિટ વોટ (2016) તથા મેક્સિકોની ચૂંટણી (2018)માં કર્યો હતો.

આ ગરબડ કરવા માટે કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબૂક પર એક ક્વિઝની એપ બનાવી હતી. વપરાશકર્તા ફેસબૂક એકાઉન્ટ દ્વારા આ ક્વિઝની ગેમ રમી શકતા હતા. પરંતુ વપરાશકારોને ખબર ન હતી કે ગેમ રમે એ દરમિયાન એનાલિટિકા તેની બધી વિગતો ચોરી લેતી હતી. 

ભારતમાં આ એપ્લિકેશનનો ઉપયોગ માત્ર 335 ફેસબૂક યુઝર્સે કર્યો હતો. પણ એ દરમિયાન કેમ્બ્રિજે યુઝર્સના ફ્રેન્ડ, ફ્રેન્ડનાય ફ્રેન્ડ, સર્કલમાં રહેલા અન્ય વ્યક્તિ એમ કુલ મળીને પોણા છ લાખ લોકોની અંગત વિગતો (નામ, જન્મની વિગત, ઈ-મેઈલ, ફોન નંબર, સરનામા વગેરે) મેળવી લીધી હતી.  ફેસબૂકમાં કોઈ વ્યક્તિ ખાતું ખોલાવે ત્યારે તેને આ બધી માહિતી આપવાની હોય છે. ફેસબૂક એવો દાવો કરે છે કે આ માહિતી કંપની કોઈને આપતી નથી. એ દાવો વારંવાર ખોટો સાબિત થઈ ચૂક્યો છે. સીબીઆઈએ કેસ ફાઈલ કરી તપાસ આદરી છે. જોકે એનાલિટિકાએ એવુ કહ્યુ છે કે તેમની પાસે માત્ર અમેરિકન યુઝર્સનો જ ડેટા આવ્યો છે.