અમદાવાદ : ગુજરાત સહીત સમગ્ર દેશના લોકો કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યાં છે. આ સંજોગોમાં ગુજરાતવાસીઓમાં પણ કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે ગુજરાતીઓ માટે ખુશખબર આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં કોવેક્સીનનું ટ્રાયલ શરુ કરવામાં આવશે. ભારત બાયોટેક અને આઈએમસીઆર સાથે મળીને કોરોનાની રસીનું નિર્માણ કરી રહી છે. ત્યારે ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે આ કોવેક્સીન આજે અમદાવાદમાં આવી પહોંચી હતી. આજે મોડી સાંજે આ કોરોના વેક્સીન દિલ્હીથી ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. 

સૌ પ્રથમ વોલન્ટિયર્સને અપાશે કોરોના વેક્સીન

દિલ્હીથી આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટથી આ વેક્સિનને સીધા સોલા સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સોલા સિવિલ ખાતે વેક્સીન પહોંચ્યા બાદ સૌથી પહેલા વોલન્ટિયર્સને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. આમ, ગુજરાતમાં કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા પાંચ હોસ્પિટલમાં કોરોના રસીનાં પરીક્ષણની મંજૂરી આપી દીધી છે. અગાઉ આ પરીક્ષણ ગત મંગળવારથી શરૂ કરવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ભરાવો શરૂ થવા માંડ્યો હતો. જેના કારણે ગુજરાતમાં આ કોરોના રસીનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું ન હતું.

ટ્રાયલ વેક્સીનનો જથ્થો સોલા સિવિલમાં આવી પહોંચ્યો છેઃ ડૉ. પારૂલ ભટ્ટ 

આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના હેડ અને કોરોના ટ્રાયલ વેક્સીન કમિટીના સભ્ય ડૉ. પારૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, દિલ્હીથી આજે મોડી સાંજે કોરોના ટ્રાયલ વેક્સીનનો જથ્થો સોલા સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો છે. આ વેકસીનના બોક્સીસને આવતીકાલે ભારત બાયોટેક કંપનીના સભ્યોના આવ્યા બાદ તેમની હાજરીમાં આ વેકસીનના જથ્થાને ખોલવામાં આવશે.દેશભરમાં કોવેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ દેશભરમાં કોરોના વેક્સીનનું પરીક્ષણ અંદાજે ૨૬,૦૦૦ જેટલા સ્વયંસેવકો ઉપર હાથ ધરવામાં આવશે. આ સ્વંયસેવકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા બાદ તેમના લોહી અને અન્ય પરીક્ષણોને આધારે પરિણામોની ચકાસણી કરવામાં આવશે. આ પછી ૨૧ માં દિવસે તેને બીજો ડોઝ આપીને ૪૮  દિવસ સુધી પરીક્ષણ હાથ ધરવામાં આવશે. જો આ ટ્રાયલ દરમિયાન કોઇ ચિંતાજનક પરિણામો ન મળે તો સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી આપવામાં આવશે. સરકાર માની રહી છે કે, કોરોના સામેના જંગમાં કોવેક્સીનની સફળતા ખૂબ જ મોટો ફાળો ભજવશે.