વડોદરા ઃ અમદાવાદ તરફથી શહેરમાં પ્રવેશવાના માર્ગ દુમાડ ચોકડી પર કાયમ માટે સર્જાતા ટ્રાફિક જામનો ઉકેલ લાવવા માટે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ એક્સપ્રેસ હાઈવેના નિયંત્રણ કક્ષની મુલાકાત લીધા બાદ સીધા દુમાડ ચોકડી ખાતે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા. બાદમાં દુમાડ ચોકડી પર બીજાે એક ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવી હતી. જેમાં ભરૂચ તરફથી આવતા ટ્રાફિક માટે હયાત ઓવરબ્રિજના સમાંતર ૭ મીટરની પહોળાઇ અને દોઢેક કિ.મી.ની લંબાઇનો બીજાે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવાના પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી, સાથે જ અમદાવાદ તરફથી આવતા અને વડોદરા શહેરમાં જતા ટ્રાફિક માટે અન્ય અલાયદી લેન આપી દેવામાં આવશે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજે સવારે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી શહેરની દુમાડ ચોકડી પર પહોંચી ગયા હતા, જ્યાં તેમણે સર્વપ્રથમ એક્સપ્રેસ હાઇવેના નિયંત્રણકક્ષની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ માહિતી આપી હતી કે દુમાડ ચોકડી પર ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે એક પ્લાન સૂચિત કરવામાં આવ્યો છે. આ પ્લાન મુજબ ભરૂચ તરફથી આવતા ટ્રાફિક માટે હયાત ઓવરબ્રિજના સમાંતર ૭ મીટરની પહોળાઇ અને દોઢેક કિ.મી.ની લંબાઇનો બીજાે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૂચિત ઓવરબ્રિજ બે લેનનો રહેશે, જેથી ભરૂચ, સુરત, વલસાડ અને મુંબઇ તરફથી આવતા વાહનો સૂચિત ઓવરબ્રિજના માધ્યમથી સીધા અમદાવાદ તરફ જઇ શકશે.

દુમાડ ચોકડીના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સૂચિત પ્લાનમાં એવું પણ છે કે, અમદાવાદ તરફથી આવતા અને વડોદરા શહેરમાં જતા ટ્રાફિક માટે અન્ય અલાયદી લેન આપી દેવામાં આવશે, જેથી દુમાડ ચોકડી પર વાહનો પસાર થવાનું ભારણ એકદમ ઘટી જશે. પૂર્ણેશ મોદીએ દુમાડ ચોકડીની પણ જાત મુલાકાત લીધી હતી અને કેવી રીતે ટ્રાફિકને સૂચિત પ્લાનમાં પરિવર્તિત કરી શકાય એની જાણકારી મેળવી હતી. તેઓ ચોકડીના બ્રિજ ઉપર જઇને પણ ટ્રાફિકનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.