વડોદરા,તા.૧૫

શહેરના કમાટીબાગમાં સાઈકલીંગ માટે લાવવામાં આવેલી સાઈકલો ધૂળ ખાઈ રહી છે. સ્થિતિ એવી છે કે, સાઈકલો ભંગારમાં કાઢવી પડે તેવી થઈ ચૂકી છે. તેવી જ રીતે વૃધ્ધો માટેની વ્હીલ ચેરો પણ ધૂળ ખાઈ રહી છે. કમાટીબાગના અધિકારીઓને નાગરિકોની સુવિધાને જાળવતા આવડતું નથી અને તેમની અણઆવડતને લીધે જ નવી-નવી યોજનાઓ ફેઈલ જાય છે.

શહેરના કમાટીબાગમાં તાજેતરમાં સાઈકલીંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી. સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન સાઈકલીંગ માટે સાઈકલો અડધો કલાક માટે મફતમાં આપવામાં આવતી હતી. માત્ર આધારકાર્ડ જમા કરાવીને કોઈપણ વ્યક્તિ કમાટીબાગમાં સાઈકલીંગનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા હતી. પંદર વર્ષથી વધુ વયના લોકો કમાટીબાગમાં સાઈકલીંગ કરી શકતા હતા. તેમના માટે શરત એટલી હતી કે, મોર્નિંગ વોકર્સ અને સહેલાણીઓને તકલીફ ના પડે તે રીતે સાઈકલીંગ કરવાની હતી. જાેકે, સાઈકલીંગ શરૂ ક્યારે થયુ ? અને બંધ પણ થઈ ગયુ એની નાગરિકોને ખબર જ નથી. હાલમાં સાઈકલીંગ માટે લવાયેલી સાઈકલો કમાટીબાગના ખૂણામાં ધૂળ ખાઈ રહી છે. સાઈકલોની જેમ દિવ્યાંગો અને વૃધ્ધો માટે લવાયેલી વ્હીલ ચેર પણ ધૂળ ખાઈ રહી છે. કદાચ આ પ્રકારની સુવિધા અમદાવાદ કે સુરતના કોઈ બગીચામાં આપવામાં આવી હોત તો ત્યાંના અધિકારીઓ એને સારી રીતે મેઈન્ટેન કરત અને બીજા બગીચાઓમાં પણ આવી સુવિધા આપવામાં આવે તેવી ડિમાન્ડ પણ કરત. પણ આ વડોદરા છે અહીંના અધિકારીઓને કશું સાચવતા આવડતુ નથી. અને એટલે જ મુખ્યમંત્રીને કબૂલવું પડે છે કે, વિકાસની હરણફાળમાં અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરા પાછળ રહી ગયું છે.